અમદાવાદમાંથી વધુ એક વખત માદક પ્રદાર્થના જથ્થા (MD Drugs) સાથે એક આરોપીની ધરપકડ થઈ છે. આ આરોપી 1 કિલો એમડી ડ્રગ્સ લઈને અમદાવાદ આવી રહ્યો હતો પરંતુ સપ્લાયર સુધી ડ્રગ્સ પહોંચે તે પહેલા પેડલરની ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ ધરપકડ કરી છે.
આ આરોપી પાસેથી 1 કરોડનું ડ્રગ્સ કબ્જે કરવામા આવ્યુ છે. ગુજરાત એટીએસની કસ્ટડીમાં રહેલા આ આરોપીનું નામ મોહમદ સુલતાન શેખ છે જે મૂળ મુંબઈના જોગેશ્વરી વિસ્તારનો રહેવાસી છે.
ગત મોડી રાતે આરોપી મુંબઈથી 1 કિલો ડ્રગ્સ સાથે ખાનગી ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ આવી રહ્યો હતો. જે બાતમી મળતા ગુજરાત એટીએસે શાહીબાગ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી છે. ડ્રગ્સ પેડલર સુલતાનને શાહીબાગ પાસે લાલ ટીશર્ટ પહેરેલા સપ્લાયરને ડ્રગ્સ સોંપવાનું હતુ પરંતુ ડ્રગ્સ સોંપાય તે પહેલા પેડલરને ઝડપી પાડ્યો છે.