પોરબંદર જીલ્લા કલેકટર અશોક શર્માએ શહેરમાં આવેલી ૧૩૮ વર્ષ જૂની સ્ટેટ લાયબ્રેરીમાં ચાલતા બાળ-વાર્તા કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને બાળકોને પંચતંત્રની સિંહની વાર્તા અભિનય સહ સંભળાવી હતી. તથા આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષો, જંગલોનું મહત્વ સમજાવ્યું હતું. આ તકે કલેકટરએ બાળ વાર્તા કરી હતી. જેમાં પોતાના જૂથથી વિખૂટા પડી બકરીના ટોળામાં ઉછરેલ સિંહની વાત છે. આ સિંહબાળ ઉછેરને લીધે બકરી જેવું બેં બેં બોલતો ચાલતો અને ખાતોપીતો હોય છે. પછી એને એક પુખ્ત સિંહ મળી જાય છે. જે એને કૂવાના પાણીમાં મોઢું બતાવી તેના પોતનો અહેસાસ કરાવે છે.
અંતે એ પોતાના મૂળ સ્વભાવને પામે છે. સ્વામી વિવેકાનંદના બાળબોધમાં આ વાત અગત્યની છે. જે દરેક જીવમાં રહેલ શિવના સાક્ષાત્કારની વાત છે. તમે સામાન્ય નથી, મહાન છો! જાતને જાણો અને જીતો જગને! સાથે જંગલ, પશુપક્ષી અને પર્યાવરણની વાતો પણ સહજ રીતે કરી હતી. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બાળકો સાથે સંવાદ થયો હતો. સરળ બાળશૈલીમાં વાર્તા કરતાં કરતાં કલેકટર પણ બાળક બની સંવાદ કર્યો હતો. આ પ્રસંગે આયોજક દિપકભાઇ લાખાણી એડવોકેટ, દુર્ગેશભાઈ ઓઝા અને પ્રા.સુલભા દેશપાંડે સહિત ઉપસ્થિત રહ્યા હતા.