કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે દેશ અને રાજ્ય સહિતનાં તમામ કૃષ્ણ ભગવાનના મંદિરોમાં ઠેર-ઠેર જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ થઇ રહી છે. ત્યારે હાલમાં કોરોના મહામારીને કારણે તમામ મંદિરોમાં ભક્તોને એટલે કે સામાન્ય જનતા માટેનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.
(File Pic)
દ્વારકામાં પણ કૃષ્ણ જન્મોત્સવનો અનેરો મહિમા ગણાય છે. જન્માષ્ટમીએ જગત મંદિર દ્વારકાની ઉજવણી ગુજરાતની શાન સમા બની જાય છે. જોકે, કોરોનાને કારણે ગુજરાતભરના મંદિરોમાં બંધબારણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. આવામાં ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમીએ દ્વારકાનું જગતમંદિર બંધ રહ્યું છે. લાખો ભાવિકો એકઠા થવાની શક્યતાને પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
(File Pic)
જોકે, શ્રદ્વાળુઓને કૃષ્ણ જન્મોત્સવના ઓનલાઈન દર્શનનો લાભ મળી રહ્યો છે. દ્વારકાના સ્થાનિકોને પણ મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો નહતો.. જેને કારણે જન્માષ્ટમીના પાવન પર્વ પર ભક્તો વિના દ્વારિકા નગરી સૂની સૂની જોવા મળી હતી. તો બીજીબાજુ ડાકોરમાં પણ મંદિર પ્રશાસન દ્વારા સરકારની કોવિડ-19 ગાઇડલાઈનના ચુસ્ત પાલનને લઈ મંદિરમાં દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હતો. દર વર્ષે ડાકોર અને દ્વારકા મંદિર ખાતે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, ત્યારે આ વખતે મંદિર બંધ રાખવાથી અન્ય શહેર અને રાજ્યમાંથી ભક્તો આવ્યા નથી.
(File Pic)
મહત્વનું છે કે રાત્રિના 12ના ટકોરે શ્રી કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેના દર્શનનો લ્હાવો ભક્તોને ઘરે બેઠા બેઠા ઈન્ટરનેટ પર તેમજ ટીવી ચેનલો પર મળી રહેશે.