આજની ભાગદોડ ભરી જીંદગીમાં કેટલીક રમતો વિસરાતી જોવા મળી રહી છે. ખાસ કરીને અત્યારે ટેકનોલોજીનું વળગણ બાળકો તેમજ યુવાનોમાં ખૂબ જ વધ્યુ છે જેના કારણે તેઓ પારંપરીક કેટલીક રમતોને વિસરી રહ્યા છે. રમતો ના માત્ર મનોરંજન પુરુ પાડે છે પણ શારીરિક રીતે પણ મજબૂતી પુરી પાડે છે.
વૈશ્વિક રમતના નકશા પર ભારતનું ચિત્રણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા રમતના ચિહ્ન ધ્યાનચંદની યાદમાં ભારત દર વર્ષે Augustગસ્ટના 29 મી દિવસે તેનો રાષ્ટ્રીય રમત દિવસ ઉજવે છે.
ત્યારે આજે ઘણી પરંપરાગત રમતો પણ વિસરાતી જોવા મળી રહી છે. હાલના ડીઝીટલ યુગમાં દરેક બાળકો મોબાઈલ સાથે ખૂબ નાની વયથી જ કનેક્ટ થઈ જતા હોય છે.
ત્યારે ગીલ્લી દંડા, કબ્બડી, ખોખો, સતોલીયુ, અમદાવાદ બાજી, ચોર ચિઠ્ઠી, જેવી ઘણી બધી રમતોથી આજના યુગનો બાળક વાકેફ પણ નહીં હોય. બદલાતા જતા આ સમયના પ્રવાહમાં જીવન જીવવાની ગુણવત્તામાં ઝડપભેર સુધારો આવ્યા કરે છે. ત્યારે વિસરાતી જતી કેટલીક રમતોને આ અહેવાલ થકી માણીએ અને ફરી એકવાર આ રમતોને રમવાનો પ્રયત્ન કરીએ.
ચોર ચિઠ્ઠીની રમત
ચોર ચિઠ્ઠીની રમત જે ચાર વ્યક્તિ રમી શકે છે. આ રમતમાં કોઈ એવા સાધનોની પણ જરુર નથી પડતી. માત્ર કાગળ, પેનની જ જરુર હોય છે. આ રમતમાં વજીરના ૮૦૦, ચોરના ૦, રાજાના ૧૦૦ અને સિપાહીના ૫૦૦ પોઈન્ટ હોય છે. ચિઠ્ઠી ઉછાળ્યા બાદ જેને વજીર આવે તેને સામેના ત્રણ ખેલાડીઓ કહે છે વજીર-વજીર કહો અમારા ત્રણેયમાંથી ચોર કોણ? જો ચોર શોધી ના શકે તો તેને ઝીરો પોઈન્ટ મળે છે. આ રમત કોઈપણ ઉંમરના લોકો રમી શકે છે.
પાંચિકાની રમત
ઉનાળાની બપોર હોય એટલે ઘરની બહાર તો જવાય નહીં એટલે પાંચ-છ છોકરીઓ એકસાથે એક પગ વાળીને સામ-સામે બેસીને પાંચિકા રમતી હતી. પાંચિકા રમવા માટે અમે એકસરખા પાંચ પથ્થરો શોધી લેતા હતા. તેની ઉપર સુંદર પેઈન્ટિંગ પણ કરતા હતા. બે હાથથી આ પાંચિકાને ઉછાળતા હતા અને તેમાંથી એકને ઊંધા હાથ પર ઝીલવાનો હોય છે. બાકીના નીચે પડેલા પથ્થરને જે ઊંધા હાથમાં પથ્થર છે તેને નીચે પડયા વગર જ ઊંચકવાના હોય છે. જે પહેલા ગેમ પૂરી કરે તે વિજેતા ગણાતો હતો. આ રમતમાં તમારી ચપળતા અને બેલેન્સની કસોટી થતી હતી.
અમદાવાદ બાજી
અમદાવાદ બાજી જે હાલ લૂડો તરીકે પ્રખ્યાત છે. આધુનિક યુગમાં મોબાઈલમાં લોકો લૂડો ગેમ રમી રહ્યા છે.પરંતુ અમદાવાદ બાજી રમવાની મજા જ કંઈક અલગ છે. અમદાવાદ બાજી ઘણી જગ્યાએ ઈસ્ટો તરીકે પણ ઓળખાય છે જેમાં એક ખાલી કાગળ અથવા લાકડા પર ચોક અથવા પેનથી પાંચ-પાંચ ખાના દોરવાના હોય છે. જેમાં ચાર લોકો રમી શકે છે. ચારેયના અલગ-અલગ ખાના હોય છે જેમાં તેની કૂકરી મૂકવાની હોય છે. કોડીથી આ રમત રમવાની હોય છે. આ રમત લુડો જેવી જ હોય છે.
પગથિયા
વિસરાતી રમતોમાં આ પણ એક રમત છે જે રમવાની કંઈક અલગ જ મજા છે. જેમાં એક-એક ફૂટના અંતરે એક-બે એવા સાત કુંડાળા બનાવવાના હોય છે. છેલ્લુ કુંડાળુ સૌથી મોટુ હોય છે જ્યા પહોંચતા રમત પૂરી થાય છે. આ રમત પણ ઘણા લોકો રમી શકે છે. હાથમાં રહેલ નાનો પથ્થર કે કોઈ પણ વસ્તુ હવામાં ઉછાળીને કોઈપણ કુંડાળામાં પડે તે રીતે ફેંકવાની હોય છે. જેમાં પડે તેમાં દાવ દેનાર વ્યક્તિએ પગથી લંગડી કરતા-કરતા એક હાથથી તેને ઉંચકવાની હોય છે.આ રમતને પગથિયા અથવા સાત કુંડાળા પણ કહેવામાં આવે છે.