– મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુપ્તચર એજન્સીના જણાવ્યા મુજબ આગામી 30 દિવસમાં મુંબઈમાં ડ્રોનથી, રિમોટ કંટ્રોલ માઈક્રો લાઈટ એરક્રાફ્ટ, એરિયલ મિસાઈલ્સ અથવા પેરા ગ્લાઈડર્સથી હુમલો કરવામાં આવી શકે છે. ગુપ્તચર એજન્સીએ આ અંગેની માહિતી આપતા જ મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે અને મુંબઈમાં હાઈએલર્ટ જાહેર કરી દીધુ છે.
આગામી સમયમાં ઘણા તહેવારો આવી રહ્યા છે અને આવા સમયે ભીડભાડવાળા બજારમાં આતંકીઓ હુમલો કરી શકે છે. આ સિવાય VVIP લોકો પણ આતંકીઓ માટે સોફ્ટ ટાર્ગેટ પુરવાર થઈ શકે છે. એવી આશંકા વ્યકત કરવામાં આવી છે કે સાર્વજનિક સંપત્તિઓની સાથે જ શહેરમાં અરાજકતા ફેલાવવી તે પણ એક ઉદ્દેશ્ય હોય શકે છે.
રાજ્યના ગુપ્તચર વિભાગના પત્ર બાદ મુંબઇ પોલીસે એલર્ટ જારી કર્યું છે. સમગ્ર શહેરમાં ડ્રોન અને ફ્લાઈંગની અન્ય ચીજો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આદેશમાં જણાવાયું છે કે આતંકવાદીઓ અને દેશદ્રોહી લોકો ડ્રોન, રિમોટ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, એરિયલ મિસાઇલો અથવા પેરા-ગ્લાઈડર દ્વારા પણ હુમલો કરી શકે છે.
ગુપ્તચર વિભાગના ઇનપુટ્સને ધ્યાનમાં રાખીને, મુંબઇ પોલીસે CRPC ની કલમ 144 હેઠળ ડ્રોન, રિમોટ કંટ્રોલ્ડ માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, એર મિસાઇલો અને પેરાગ્લાઇડર્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ અપાયો છે. આ આદેશ 30 ઓક્ટોબરથી ચાલુ થઈ 28 નવેમ્બર સુધી લાગૂ રહેશે.