પોરબંદરની સરકારી ભાવસહજી હોસ્પિટલ હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહી છે. શુક્રવારે બપોરના સમયે હોસ્પિટલના ઓપરેશન થીયેટરનું આઇઆઇ ટીવી બંધ થતા અંદાજે એક કલાક સુધી ચાલુ ઓપરેશન બંધ કરવું પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. ત્યારે એક્સ-રે રૂમમાંથી ડિઝીટલ એક્સ-રે પોર્ટેબલ સિસ્ટમ ઓપરેશન થીયેટરમાં મંગાવવાની ફરજ પડી હતી. હોસ્પિટલના તંત્રની બેદરકારીના કારણે દર્દીઓ મુશ્કેલીમાં મુકાય છે. ચાર માસ પુર્વે મંજુર થયેલ નવા આઇઆઇ ટીવી આવ્યા નહીં ત્યાજ જુના આઇઆઇ ટીવીમાં વારંવાર ખામી સર્જાતા દર્દીઓના પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે. નવા આઇઆઇ ટીવી જે મંજુર થયા છે તેમાં શું કૌંભાડ કરવામાં આવ્યું છે જે હજુ સુધી આવ્યા નથી તેવા સવાલો પણ ઉઠી રહ્યાં છે.પોરબંદરની ભાવસહજી હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે અવાર નવાર દર્દીઓને હેરાન થવાનો વારો આવે છે. ભાવસહજી હોસ્પિટલમાં શહેર ઉપરાંત ગામડાઓમાંથી દર્દીઓ સારવાર તેમજ દવા લેવા માટે વહેલી સવારથી જ ભાવસહજી હોસ્પિટલમાં આવતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી હોસ્પિટલમાં ડોકટરોની જગ્યા ખાલી હોવાથી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા ગંભીર દર્દીઓને અન્ય જિલ્લાની હોસ્પિટલ ખાતે મોકલવા પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે. શુક્રવારે બપોરના સમયે ઓપરેશન થીયેટરમાં ઓર્થોપેડીક ડોકટર તોષિફ છુટાણી એક દર્દીનું ઓપરેશન કરી રહ્યાં હતા તે દરમિયાન આઇઆઇ ટીવી બંધ થઇ જતા અધવચ્ચે ઓપેરશન બંધ કરવું પડે તેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. અંદાજે એક કલાક સુધી દર્દી ઓપરેશન વગર તેજ સ્થિતીમાં ઓપરેશન થિયેટરમાં રહ્યો હતો. ત્યારે એક્સ-રે રૂમમાંથી ડિઝીટલ એક્સ-રે પોર્ટેબલ સિસ્મટ મંગાવીને આમતેમ કરી દોઢ કલાકનું ઓપરેશન ત્રણ કલાકે પુર્ણ કર્યું હતું. ચાર માસ પુર્વે નવા આઇઆઇ ટીવી મંજુર થયા છે પરંતુ તે હજુ સુધી આવ્યા નથી.
જેના કારણે દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. થોડા દિવસો પહેલા જ હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઝના ડોકટરોનો ૧૧ માસનો કોન્ટ્રાકટ પુર્ણ થતા તે ચાલ્યા ગયા હતા. જેના કારણે દર્દીઓને મુશ્કેલી પડી હતી. ખાસ કરીને ઓર્થોપેડિકને લગતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. એક દર્દીતો ચારથી પાંચ દિવસ ઓપરેશન વગર હોસ્પિટલમાં રહ્યો હતો. ત્યારબાદ અન્ય હોસ્પિટલમાં જવાની ફરજ પડી હતી પરંતુ ત્યાં પણ એવું કહી દેવામાં આવ્યું હતું કે એમએલસી થયું હોવાથી આ હોસ્પિટલમાં ઓપરેશન નહીં થાય. ત્યારે ફરી આ પરિવારી સરકારી ભાવસહજી હોસ્પિટલમાં દર્દીને લાવ્યા હતા. ત્યારે કોંગ્રેસે આ મામલે ઉગ્ર રજુઆત પણ કરી હતી. પરંતુ થોડા સમયમાં જ કોન્ટ્રાક્ટ રિન્યૂ થતા ડોકટરોને ફરી ફરજ ઉપર મુકવામાં આવ્યા હતા અને ફરી એકવાર ઓપરેશન શરૂ કર્યા હતા. તા.૩જી જૂન શુક્રવારે બપોરના સમયે આઇઆઇ ટીવીમાં ખામી સર્જાતા એક કલાક સુધી દર્દીઓને મુશ્કેલી સર્જાઇ હતી અને હવે હોસ્પિટલના સુત્રોમાંથી એવું જાણવા મળી રહ્યું છે કે ઓપરેશન થીયેયરના આ જૂના આઇઆઇ ટીવીની મદદથી હવે નવા ઓપરેશન કરવા જોખમી સાબીત થઇ શકે છે. પરંતુ સવાલ એ છે કે ૪ માસ પુર્વે મંજુર થયેલા આઇઆઇ ટીવી કેમ આવ્યા નથી કે પછી તેમાં પણ કૌંભાડ કરવામાં આવ્યું છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યાં છે. વ્હેલીતકે નવા આઇઆઇ ટીવી હોસ્પિટલમાં લાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે.