કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારે દિવાળી-નવરાત્રિ જેવા તહેવારો પર પ્રતિબંધ મુકી દીધો છે. રાજ્ય સરકારે બહાર પાડેલી કોરોના ગાઈડલાઈનમાં પણ નવરાત્રિમાં આરતી સમયે 200 લોકો જ એકઠા થવા અને કોઈપણ જાતના પ્રસાદ વિતરણ ન કરવાની જાહેરાત કરાઈ હતી. જેના કારણે અસંખ્ય માઈ ભક્તોની લાગણી દુભાઈ હતી.
ત્યારે ગાંધીનગર ખાતે મળેલી ગુજરાત કેબિનેટ બેઠકમાં નવરાત્રિ સમયે પ્રસાદ વિતરણ તેમજ મંદિરોને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યના ગૃહ મંત્રીએ આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે, રાજ્યમાં તમામ મંદિરો દર્શન માટે ખોલવાનો નિર્ણય લેવાયો છે. જેથી નવરાત્રિમાં લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે જેથી તેમના માટે વિશેષ વ્યવસ્થા કરાશે અને મંદિરોમાં એલઈડી થકી દર્શન થઈ શકશે.
આ ઉપરાંત નવરાત્રિમાં મંદિરોમાં ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો છે. જોકે આ પ્રસાદ પેકિંગમાં જ વિતરણ કરી શકાશે. આ પહેલા પ્રસાદ નહીં વહેંચવા સરકાર દ્વારા નિર્ણય લેવાયો હતો જોકે લાખો ભક્તોની આસ્થા અને લાગણી દુભાતી હોવાથી સરકારે પોતાના નિર્ણયમાં સુધારો કર્યો છે.