આદિવાસીઓના કેટલાક હકો, તેમની સંસ્કૃતિનું જતન તેમજ સમાજને વ્યસન સહિત કેટલીક કુરીવાજો જેવી સમસ્યાઓને ધ્યાનમાં રાખી આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયુ હતું. મળતી માહિતી મુજબ, મહિસાગરના કડાણા ડેમ ખાતે ભેકોટલીયા ડુંગર પર આદિવાસી સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યુ હતું. આ સંમેલનમાં આદિવાસી સમાજના કાર્યક્રમમાં ધારાસભ્ય કુબેરભાઈ ડીડોર ઉપરાંત આદિવાસી પદાધિકારીઓ તેમજ સમાજના અન્ય અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. આ મહાસંમેલનમાં કેટલાક આદિવાસી સમાજના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આદિવાસી નૃત્ય પણ કરવામાં આવ્યુ હતું. જેમાં મોહીલાપડ ગામની ટીમ વિજેતા બનતા તેમને ઈનામ વિત્તરણ પણ કરવામાં આવ્યુ હતું. આ મહાસંમેલનમાં આદિવાસી સમાજમાંથી આવતા દરેક ગામના કાર્યકરોના સાથ અને સહકાર મળતા આ કાર્યક્રમ સફળ બન્યો હતો. મહત્વનું છે કે, આ અગાઉ પણ આદિવાસી સમાજ દ્વારા અવાર નવાર સમાજના હકો મેળવવા તેમજ સમાજને કેટલાક કુરિવાજોથી બચાવવા, સમાજના યુવાનો વ્યસનથી દૂર રહે તે માટે કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.