હાલ ગુજરાતમાં દેશવિદેશમાંથી પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવતા હોય છે. ત્યારે એવી જ રીતે ગુજરાતમાં ગાય જોવા માટે પ્રવાસીઓ આવે તેવી સરકારે તૈયારીઓ કરી લીધી છે. મધ્યપ્રદેશની સરકારે ગાયોના સંવર્ધન અને સંરક્ષણ માટે કાઉ કેબિનેટની રચના કરી છે. ત્યારે ગુજરાતને ગાય આધારિત પ્રવાસન કેન્દ્ર બનાવવા માટે કેન્દ્રીય કામધેનુ આયોગે એક યોજના બનાવી છે.
આ યોજનામાં રાજ્યની ગૌશાળાઓ અને આણંદ જિલ્લાના ધર્મજમાં આવેલી ગૌચર લેન્ડનો ટુરિસ્ટ સર્કિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન વલ્લભ કથિરીયાએ જણાવ્યું છે કે, ભારત સરકારના પ્રયાસથી ગાય આધારિત પ્રવાસન કેન્દ્ર ઉભા કરવામાં આવી રહ્યા છે.
હાલ કોરોના સંક્રમણના કારણે સર્કિટ બનાવવાનું કાર્ય સ્થગિત કરવામાં આવ્યું છે. પરંતુ કોરોનાની સ્થિતિ થાળે પડી જાય પછી ગુજરાતમાં ગાય આધારિત ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે. મહત્વનું છે કે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ પ્રજાતિઓની ગાયો જોવા મળે છે. ગુજરાતમાં 800થી પણ વધારે ગૌશાળાઓ આવેલી છે. જેને પ્રવાસનના રૂટમાં સમાવેશ કરવામાં આવશે. જેથી હવે પ્રવાસનના નક્શામાં ‘કાઉ ટુરિઝમ’ પણ જોવા મળશે.