નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા એક સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી જેઈઈ અને 13 સપ્ટેમ્બરે નીટ 2020 નક્કી કરાયેલ સમય મુજબ જ યોજવાની જાહેરાત સાથે જ વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓની સાથે સાથે હવે રાજ્યોએ પણ પરીક્ષા યોજવાના નિર્ણયનો વિરોધ શરુ કર્યો છે.
કોરોના મહામારી વચ્ચે જેઈઈ, નીટની પરીક્ષાઓ યોજવાને લઈ આ વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ તરફથી ઓનલાઇન કેમ્પેન ચલાવીને કેન્દ્ર સરકારને આ પરીક્ષા રદ કરવા અપીલ કરાઈ હતી. અનેક રાજ્ય સરકારો આ પરીક્ષાને રદ્દ કરવાના પક્ષમાં છે.
દિલ્હી સરકાર પછી હવે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ પરીક્ષાઓના આયોજનનો વિરોધ કર્યો હતો.બન્ને નેતાઓએ વડાપ્રધાન મોદીને આ અંગે પત્ર લખ્યો છે અને પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી છે.
જ્યારે આદિત્ય ઠાકરેએ પત્ર લખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે કે, તમે આ મામલે દખલ કરીને તમામ પ્રકારની પ્રવેશ પરીક્ષાઓ અને અન્ય કોઈ પણ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ કે જેના કારણે ભીડ એકઠી થતી હોય તેને રદ કરાવો.