વિશ્વભરમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે જે વૈજ્ઞાનિકો માટે પણ એક પડકાર બન્યો છે. થોડા સમય પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે કોરોના વાયરસ હવામાં પણ હોઈ શકે છે. ત્યારે કોઈ જગ્યાએ હવામાં કોરોના વાયરસ હાજર છે કે નહીં તેની જાણકારી મેળવવી હવે સરળ બની શકે છે. કેનેડાની એક કંપનીએ દાવો કર્યો છે કે તેણે એક ગેમ ચેન્જિંગ ડિવાઈસ તૈયાર કર્યું છે જે હવામાં કોરોના વાયરસની ઓળખ કરી શકે છે.
મળતી માહિતી મુજબ, કેનેડાની કંટ્રોલ એનર્જી કૉર્પ નામની કંપનીએ એક ડિવાઈસ તૈયાર કર્યું છે. જે હવામાં કોરોના છે કે નહીં તે જણાવશે. કંપનીએ કેનેડાની ઓન્ટરિયોની બે લેબમાં કોરોના વાયરસ પર રિસર્ચ કર્યા બાદ આ દાવો કર્યો છે. બાયોક્લાઉડ નામની આ ડિવાઈસની કિંમત 8.8 લાખ રૂપિયા છે. જે હેન્ડ ડ્રાયર જેવું દેખાય છે.
આ ડિવાઈસ હવાને અંદર ખેંચે છે. અને પછી હવાનું વિશ્લેષણ કોરોનાની તપાસ માટે કરે છે. રિઝલ્ટ પોઝિટિવ આવે તો ત્યાં હાજર લોકોની તપાસ કરી શકાશે. મહત્વનું છે કે, ક્લાસરૂમ, ઓફિસમાં આ ડિવાઈસ ઉપયોગી સાબિત થઈ શકે છે. નવેમ્બર સુધીમાં કંપની દ્વારા ડિવાઈસને બજારમાં લોન્ચ કરવામાં આવશે. જેની કિંમત 8.8 લાખ રૂપિયા રાખવામાં આવી છે. કંપની મહિનામાં 20 હજાર યૂનિટ તૈયાર કરી શકે છે.