ગુજરાતમાં જ્યારથી કોરોના મહામારીએ પગપસેરો કર્યો છે ત્યારથી જ ગુજરાત સરકાર પર આંકડાની માયાજાળ રચવાના આરોપો લાગી રહ્યા છે. અને ગુજરાત સરકાર દ્વારા આજ દિન સુધી કોરોનાનાં સાચા આંકડા આપ્યા ન હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના આંકડા પ્રમાણે દેશમાં ૩૪ લાખ કોરાનાના દર્દીની નોંધ જ થઈ નથી. જેમાં સૌથી ઓછા પીસીઆર ટેસ્ટ કરનારા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકાર અને કોરોનાની જવાબદારી સોંપાઈ છે, એવા અધિકારીઓ અણઘડ નિર્ણયો લઈ રહ્યા છે. એમાંનો એક નિર્ણય પીસીઆર ટેસ્ટ ઘટાડવાનો છે. એટલે ગુજરાતમાં કેસ વધવા પાછળ પ્રજા જેટલા જ જવાબદાર સરકાર અને તેમના અધિકારીઓ છે. આ અંગેની વિગત એક ગુજરાતી અગ્રણી ન્યુઝ ચેનલની વેબસાઈટ પર દર્શાવવામાં આવી હતી. જે મુજબ દેશમાં સામે આવેલ આ ચોંકાવનારી વિગત બાદ ખળભળાટ મચ્યો છે. આઈસીએમઆરના આંકડા મુજબ દેશમાં 34 લાખ દર્દીની નોંધ જ થઈ નથી.
બીજા શબ્દોમાં વિવિધ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આટલા દર્દીની વિગતો છૂપાવી છે. આંકડા છૂપાવવા માટે રાજ્ય સરકારોએ બે રસ્તા અપનાવ્યા હતા. એક રસ્તો પીસીઆર ટેસ્ટનું પ્રમાણ ઘટાડી દેવાનો છે. બીજો રસ્તો ઓવરઓલ ટેસ્ટ ઓછા કરવાનો છે. ટેસ્ટ વધારવાનું દબાણ આવ્યું ત્યારે રાજ્યોએ પીસીઆરને બદલે એન્ટીજેન ટેસ્ટ જ કર્યાં છે. દેશમાં સૌથી વધુ ૬.૪ લાખ કેસ મહારાષ્ટ્ર સરકાર દ્વારા છૂપાવાયા છે. તો ગુજરાતે અંદાજે ૨.૧ લાખ કેસ છૂપાવ્યા છે. અત્યારે ગુજરાતમાં સરકારી આંકડા પ્રમાણે ૨ લાખથી વધુ કેસ છે. આ આંકડામાં છૂપાવેલા કેસ ઉમેરીએ તો ગુજરાતમાં કોરોના કેસનો આંકડો આજે 4 લાખથી વધુ હોત. બીજીબાજુ દસ હજારની વસ્તીએ સૌથી વધુ પીસીઆર ટેસ્ટ કરનારા રાજ્યોમાં પ્રગતિશિલ ગણાતું ગુજરાત ૧૮મા ક્રમે છે. દસ હજારની વસ્તીએ અહીં માંડ ૨૧૫ના પીસીઆર ટેસ્ટ થયા છે. ગુજરાતે અત્યાર સુધીમાં કુલ ૧૪ લાખ પીસીઆર ટેસ્ટ જ કર્યા છે.