ગુજરાતના મોટા યાત્રાધામ ગણાતા ગિરનાર પર જવા માગતા શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવી રહેલો રૉપ વે પહેલા નોરતે ખુલ્લો મૂકવાની સરકારની યોજના છે. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરનાર તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રોપ-વેને ખૂલ્લો મૂકવા માટે ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
મહત્વનું છે કે, દરિયાની સપાટીથી અંદાજે 3500થી 3700 મીટર ઊંચાઈ સુધી રોપ વૅની મદદથી જઈ શકાશે. આ રોપ વૅ સાથે અંદાજે 16 કેબિન કનેક્ટ કરવામાં આવશે. આ કેબિનમાં એક સાથે 16 શ્રદ્ધાળુઓ ઉપર જઈ શકશે. રોપ વૅ ચાલુ થયા પછી યાત્રાળુ માત્ર 9 મિનિટમાં મંદિર સુધી પહોંચી જશે. યાત્રાળુઓને ઉપર દર્શન કરવા માટે એકાદ કલાક સુધી રહેવાનો અવસર આપવામાં આવશે. ત્યારબાદ તેમને તે જ રોપ-વેમાં પાછા લઈ આવવામાં આવશે.
મહત્વનું છે કે ભવનાથ તળેટીથી લઈને અંબાજી સુધીના આ રોપ વે પ્રોજેક્ટમાં કુલ 9 ટાવર ઉભા કરાયા છે. જેમાં છઠ્ઠા નંબરનો ટાવર કે જે ગિરનાર ચઢાણના 1000 પગથિયા પાસે સ્થિત છે તેની ઊંચાઈ અન્ય ટાવર કરતા સૌથી ઊંચી 67 મીટર જેટલી છે. આ રોપવે શરુ થતાં યાત્રિકોની ઉર્જા અને સમયમાં પણ ઘણો બચાવ થશે. તંત્રનું પણ કહેવું છે કે, વિશ્વના પ્રવાસન નક્શામાં ગિરનાર રોપ વે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.