ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટરે ઇન્ડિયા ટૂડે ગ્રુપના કન્સલ્ટન્ટ એડિટર અને લેખક રાજદીપ સરદેસાઇ સાથે એક રસપ્રદ ટોક શોનું આયોજન કર્યું હતું, જેમાં રાજદીપ સરદેસાઇએ અમદાવાદમાં વિતાવેલા તેમના બાળપણની યાદો તથા ગુજરાત પ્રત્યે તેમના લગાવ વિશે રસપ્રદ વાતો કરી હતી.
તેમના નવા પુસ્તક “2019 હાઉ મોદી વોન ઇન્ડિયા” અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ભારતના ભવિષ્ય અંગે અનુમાન કરી શકાય નહીં કારણકે વર્ષ 1945થી બે મહાન ગુજરાતી નેતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલ જેવાં કોઇ નેતા નથી. વર્ષ 2014માં ફરી એકવાર બે ગુજરાતીઓએ ઇતિહાસ બનાવ્યો. ન્યુ ઇન્ડિયા પ્રત્યે અપેક્ષા રાખવી જોઇએ, પરંતુ જૂના ભારતની પણ ચિંતા કરવી આવશ્યક છે. ભવિષ્યનું અનુમાન કરવું મૂશ્કેલ છે અને મારું માનવું છે કે જે પ્રકારે આપણે મહામારીનો અંદાજ લગાવી શક્યા નહીં તેમ કોઇપણ અંદાજ લગાવવો અશક્ય છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં સામાજિક, આર્થિક અને ધાર્મિક વિભાજન સદીઓથી છે, પરંતુ આપણે ડિજિટલ મોરચે સારું કામ કરી રહ્યાં છીએ. ન્યુ ઇન્ડિયા માટે આરોગ્ય, શિક્ષણ, ન્યાય ક્ષેત્રે સુધારા આવશ્યક છે અને હવે તેમાં ડિજિટલ સેક્ટર્સ પણ સામેલ છે. હું સ્પષ્ટપણે માનું છું કે ઇન્ડિયા 2030 એ ઇન્ડિયા 2020 કરતાં સારું હશે.
ભારતમાં સદીઓથી સામાજિક, આર્થિક અને ધાર્મિક વિભાજન રહ્યું છે, પરંતુ આપણે ઘણાં પરિવર્તનો પણ જોયાં છે અને એક માનવી તરીકે આપણે ઘણાં બદલાવો સાથે એડજસ્ટ થવું પડશે. તેમણે જણાવ્યું હતું કે ઘણીવાર આપણે પરિવર્તનોને સ્વિકારી શકતા નથી, પરંતુ તેનો સ્વિકાર કરવો જ જોઇએ. તેમણે ઉદાહરણ આપતા કહ્યું હતું કે તેઓ પણ કુકિંગ, ડિજિટલ માધ્યમોના નવા કૌશલ્યો શીખી રહ્યાં છે અને આ બદલાવોથી તમે વધુ મજબૂત બનો છો. આ સત્રમાં ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટરના ચેરપર્સન તરૂણા પટેલે જણાવ્યું હતું કે, આજે મહિલાઓ સશક્ત બની છે અને નવા સમાજ અને દેશની રચનામાં વધુ મહિલાઓએ આગળ આવવું પડશે. ન્યુ ઇન્ડિયાના નિર્માણની શરૂઆત આપણાથી જ થાય છે.