રાજ્યના ચાર મહાનગરોમાં ચાલી રહેલો રાત્રિ કર્ફ્યૂ ઉત્તરાયણ પછી સમાપ્ત થાય તેવું પ્રજા ઇચ્છી રહી હતી. જોકે આ મામલે ચારેય મહાનગરોના લોકો માટે વધુ એક નિરાશાજનક સમાચાર છે. કોરોનાના સતત ઘટી રહેલા કેસ અને વેક્સિનેશન વચ્ચે અમદાવાદ-વડોદરા, સુરત, રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂનો ધી એન્ડ થશે એવું પ્રજાને લાગી રહ્યું હતું પરંતુ તેમની આ આશા પર પાણી ફરી વળ્યુ છે. રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગર ખાતે મોટું નિવેદન આપ્યું છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે હાલમાં તો સરકાર રાત્રિ કર્ફ્યૂમાં કોઈ બાંધછોડ કરવા માંગતી નથી. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે સરકાર આગામી સમયમાં કોરોનાની સમીક્ષા કર્યા બાદ આ અંગે યોગ્ય નિર્ણય કરશે પરંતુ હાલમાં તો જે નિર્ણય કર્યો છે તે યથાવત છે. ઉલ્લેખનીય છે કે નવા વર્ષના પ્રારંભથી સરકારે રાત્રિ કર્ફ્યૂને 14મી તારીખ સુધીની અમલવારી સાથે નિયમોમાં છૂટછાટ આપી હતી. મહાનગરોમાં અગાઉ 9 વાગ્યા સુધી અને ત્યારબાદ 10 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી હતી. હાલમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં રાત્રિના 10થી સવારે 6.00 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ છે. આ કર્ફ્યૂના કારણે ફૂડ ઇન્ડસ્ટ્રી અને ખાસ કરીને રેસ્ટોરાંના બિઝનેસ પર માઠી અસર પડી છે. જોકે, તેના સકારત્મક પરિણામો પણ રાજ્યના આરોગ્ય વિભાગને મળ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો છે અને અમદાવાદ સુરત અને રાજકોટમાં ખાસ કરીને અસરકારક ઘટાડો જોવા મળ્યો છે ત્યારે સરકાર આ અંગે કોઈ જોખમ ખેડવા માંગતી નથી.