ગુજરાત સહિત ભારતમાં કોરોનાનું સંક્રમણ હજી પણ યથાવત છે. જોકે આ કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે દેશમાં કોરોના વેક્સિનને લઈ એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતમાં કોરોનાની વેક્સિન પર કામ કરી રહેલ ઝાયડસ કેડિલા હેલ્થ કેયર લિમિટેડે મોટા પ્રમાણમાં વેક્સિનના ઉત્પાદનની તૈયારી શરુ કરી દીધી છે.
સંભવિત ભાગીદારો સાથે કંપની ચર્ચા કરી રહ્યું છે અને કેડિલા હેલ્થકેર પોતાની પ્રોડ્કશન કેપિસીટી એટલે કે ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવામાં લાગી છે. કંપનીની તૈયારી 17 કરોડ ડોઝ ઉત્પાદનની છે. જેમાંથી 10 કરોડ ખુદની કંપની તૈયાર કરશે, જ્યારે સાત કરોડ ડોઝ ભાગીદાર કંપનીથી તૈયાર કરાવશે. કંપનીના એમડી શર્વિલ પટેલે આ અંગેની માહિતી આપી હતી. ઈટીના એક રિપોર્ટ અનુસાર, અમદાવાદની આ કંપની કોરોના રસીના મોટા પ્રમાણમાં ઉત્પાદન માટે કૉન્ટેક્ટ મેન્યુફેક્ચર્સ શોધવાની તૈયારી કરી રહ્યું છે.
કેડિલા હેલ્થ કેરના મેનેજિંગ ડાયરેક્ટર શર્વિલ પટેલે કહ્યું કે, વેક્સિનની સાત કરોડ ડોઝ તૈયાર કરાવવા માટે કંપનીને પાર્ટનર જોઇએ. પ્લાઝમિડ ડીએનએ વેક્સીન બનાવવા માટે અંદાજિત 10 કરોડ ડોઝ કંપની પોતાના ઉત્પાદન રૂપરેખામાં જ તૈયાર કરી શકે છે. એવી પણ વિગત સામે આવી છે કે અમદાવાદની આ કંપની માર્ચમાં પોતાની ZyCov-D વેક્સિન લોન્ચ કરી શકે છે. ડિસેમ્બરમાં ZyCov-D વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરુ કરવામાં આવશે, જેમાં આશરે 30 હજાર જેટલા લોકો પર રસીનું ટ્રાયલ કરવામાં આવશે.