કોરોનાના કહેર વચ્ચે લગ્નનું આયોજન કરવા માંગતા લોકો માટે રાહતના સમાચાર છે. લગ્નના આયોજન માટે પોલીસની મંજૂરી લેવાના નિયમ અંગે સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. લગ્ન માટે અગાઉની ગાઈડલાઈન મુજબ આમંત્રિતોને કંકોત્રી આપ્યા બાદ હવે પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે.
ત્યારે આ મામલે પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં લગ્ન સત્કાર સમારંભ કે અન્ય ઉજવણી કિસ્સામાં ખુલ્લા કે બંધ સ્થળમાં 50 ટકાથી વધુ નહિ પરંતુ 100થી વધુ નહિ તે પ્રકારની સૂચના અપાઈ છે. રાજ્યના ગૃહ મંત્રીએ જણાવ્યું કે, દિવસ દરમિયાન લગ્ન સમારંભ યોજવા માટે પોલીસની મંજૂરી લેવાની કોઈ જરૂરિયાત રહેતી નથી.
આ સાથે જ તેમણે ફરીથી એવી અપીલ કરી હતી કે લગ્ન સમારંભોમાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે તે ખૂબ જ જરૂરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે, લગ્ન સમારંભો દરમિયાન બેન્ડવાજા કે વરઘોડો નહીં કાઢી શકાય. આ ઉપરાંત જે શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ છે ત્યાં રાતના સમયે લગ્ન સમારંભનું આયોજન કરી શકાશે નહીં. આ ઉપરાંત લગ્નમાં સ્થળની ક્ષમતાના 50 ટકા અને વધુમાં વધુ 100 લોકો હાજર રહી શકશે.