હાલમાં જ સુપ્રિમ કોર્ટે ઘર ખરીદનારના તરફેણમાં મહત્વનો ચૂકાદો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે જો બિલ્ડર ઘરનું પજેશન આપવામાં મોડું કરે કે બેદરકારી દાખવે તો ખરીદનારને ગ્રાહક સંરક્ષણ અધિનિયમન હેઠળ રાહત માંગવાનો અધિકાર છે. સુપ્રિમ કોર્ટે બિલ્ડરોની મનમાનીને અંકુશમાં રાખવા માટે આ મહત્વના કેસ અંગે સુનાવણી કરી નિર્ણય સંભળાવ્યો હતો.
ન્યાયાધીશ યુયુ લલિત અને વિનિત સરનની બેઠકે જણાવ્યું કે રેરા કાયદાની કલમ 79 અંતર્ગત ગ્રાહકની કોઈપણ ફરીયાદની સુનાવણી પર પ્રતિબંધ મુકી શકાશે નહિ. સુપ્રીમ કોર્ટે ગુરુગ્રામના એક કેસ પર સુનાવણી કરતા આ ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં વર્ષ 2013માં સાઈન કરાયેલા બિલ્ડર અને ગ્રાહક કરારમાં નક્કી કરાયું હતું કે 42 મહિનામાં બાંધકામ પુરુ કરાશે, પરંતુ સમય મર્યાદા પહેલાથી જ વિતી ચુકી હતી. જેને લઈ ગ્રાહકે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો બિલ્ડર ગ્રાહકને નિર્ધારિત સમયમાં ઘરનો કબજો આપવામાં નિષ્ફળ રહે તો બિલ્ડરે ગ્રાહકને 9 ટકા વ્યાજ સાથે રિફંડ આપવું પડશે. ઉલ્લેખનીય છે કે રિયલ એસ્ટેટના વેપારમાં હાલ ઘણી મંદી ચાલી રહી છે. ત્યારે ખરીદનાર અને ડેવલપર્સની વચ્ચે વિવાદોમાં વધારો જોવા મળી રહ્યા છે. સુપ્રિમ કોર્ટના આ નિર્ણયથી ગ્રાહકોને ઘણી રાહત મળી છે.