કોરોનાના સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે કોવિડ-19થી સામાન્ય રીતે પીડાતા દર્દીની સારવાર માટે એન્ટીવાયરલ દવા ફેવિપિરાવિરને ફૈબિફ્લૂ બ્રાન્ડ નામથી રજૂ કરી છે. કંપનીએ આ અંગેની જાણકારી આપી છે.
મુંબઈની કંપનીએ જણાવ્યુ હતું કે, તેને ભારતીય દવાઓના નિયંત્રક જનરલ (ડીજીસીઆઈ) પાસેથી આ દવાના નિર્માણ અને માર્કેટિંગની મંજૂરી મળી ગઈ છે. કંપનીએ જણાવ્યું કે, ફૈબિફ્લૂ કોવિડ-19ની સારવાર માટે ફેવિપિરાવિર દવા છે, જેને મંજૂરી મળી ગઈ છે.
ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગ્લેન સલ્દાન્હાએ જણાવ્યું કે, આ મંજૂરી એવા સમયે મળી છે જ્યારે ભારતમાં કોરોના વાયરસના કેસ પહેલાની સરખામણીએ વધુ ઝડપથી વધી રહ્યા છે. જેણે આપણી સ્વાસ્થ્ય સેવાને દબાણમાં મૂકી દીધી છે. તેમણે જણાવ્યું કે, ક્લિનિકલ પરીક્ષણમાં ફૈબિફ્લૂએ કોરોના વાયરસના સામાન્ય સંક્રમણ ધરાવતા દર્દીઓ પર સારા પરિણામ મળ્યા છે. આ દવા તબીબની સલાહ પર 103 રુપિયા પ્રતિ ટેબલેટની કિંમતે મળી રહેશે.
આવી રીતે લેવાનો રહેશે ડોઝ
પ્રથમ દિવસ આ દવાની 1800 એમજીના બે ડોઝ લેવાના રહેશે. ત્યારબાદ 14 દિવસ સુધી 800 એમજીના બે ડોઝ લેવાના રહેશે. ગ્લેનમાર્ક ફાર્માએ જણાવ્યું કે, સામાન્ય સંક્રમણવાળા એવા દર્દી જે ડાયાબિટીસ અથવા હૃદયરોગથી પીડાતા હોય તેમને પણ આ દવા આપી શકાય છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં શનિવારે કોરોના વાયરસના એક દિવસમાં રેકોર્ડ 14,516 કેસ સામે આવ્યા છે. હવે દેશમાં આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3 લાખ 95 હજારથી વધુ થઈ ગઈ છે.