સમગ્ર દેશ આજે કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યો છે. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે શ્રેણીબદ્ધ પગલાંઓ લેવામાં આવી રહયા છે. તેવામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ કામગીરીઓ વચ્ચે એક અનોખી પહેલ શરુ કરવામાં આવી છે. જેમાં શહેરમાં શાકભાજીના ધંધાર્થીઓ અને ગ્રાહકો પરસ્પર કોરોનાના વાહક ન બને તેની તકેદારીના ભાગરૂપે પૈસાની લેવડ-દેવડ કરવા માટે બે ડબ્બા રાખવાની સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અંગે મ્યુનિ. કમિશનરએ જણાવ્યું હતું કે, નિષ્ણાતોના કહેવા અનુસાર કોરોના સંક્રમિત વ્યક્તિ જે ચીજ વસ્તુને સ્પર્શ કરે તે ચીજ વસ્તુ સાથે સંપર્કમાં આવવાથી અન્ય લોકોને પણ આ વાયરસ બીમાર પાડી શકે તેવી શક્યતા નકારી શકાય નહી. આ બાબતને નજર સમક્ષ રાખી શાકભાજીના ધંધાર્થીઓ અને ગ્રાહકોના સ્વાસ્થ્યના હિતમાં વોર્ડ નં.7 માં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.
જેમાં શાકભાજીના ધંધાર્થીઓ દ્વારા પૈસાની લેવડદેવડ માટે એક નહી પરંતુ બબ્બે ડબ્બા સાથે રાખે છે. જે પૈકી એક ડબ્બો પૈસા લેવા માટે અને બીજો ડબ્બો પૈસા પાછા આપવા માટે અલગ રાખવામાં આવ્યો છે.