નેપાળની સંસદમાં નેપાળના નવા વિવાદિત નક્શાનો પ્રસ્તાવ સંસદમાં પાસ કર્યો છે. બંધારણમાં સુધારાનો આ પ્રસ્તાવ પાસ કરી દેવાતા હવે ભારત અને નેપાળના સંબંધો અંગે મોદી સરકાર સામે પડકાર ઉભો થયો છે.
નેપાળે સુધારેલા નક્શામાં ભારતના કેટલાક વિસ્તારોને નેપાળમાં દર્શાવ્યા છે. મળતી માહિતી મુજબ, નેપાળની સંસદ પ્રતિનિધિ સભાએ નવા રાજકીય નકશા માટે લવાયેલા બંધારણીય સુધારાને સર્વાનુમતે મંજૂરી આપી દીધી છે.
નેપાળના વડાપ્રધાન કે.પી.ઓલીની સરકોર રાજકીય નક્શા અને એક નવા રાષ્ટ્રીય પ્રતીક ચિહ્નને માન્યતા આપવાનો પ્રસ્તાવ પ્રતિનિધિ સભા સમક્ષ રજૂ કર્યો હતો. નેપાળની સંસદના નીચલા ગૃહે મંગળવારે મોડી સાંજે ચર્ચા વિચારણાં પછી તેને મંજૂરી આપી દીધી.
નેપાળની સંસદે જે રાજકીય નક્શાને મંજૂરી આપી છે તેમાં ભારતના હિસ્સાના લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાને નેપાળનો હિસ્સો ગણાવાયો છે. ભારત સરકાર આ રાજકીય નક્શાને ફગાવી ચૂકી છે અને તેને નેપાળનું એકતરફી પગલું ગણાવતા તેને અસ્વીકાર્ય ગણાવ્યો છે. નેપાળની સંસદમાં પ્રસ્તાવ પસાર થયા પછી અનેક મિનિટો સુધી મેજ થપથપાવતા તાળીઓ વગાડવામાં આવી હતી. હવે આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી સમક્ષ મોકલાશે.