સુશાતંસિંહ રાજપૂત મોત કેસ સાથે જોડાયેલ ડ્રગ્સ એંગલ કેસની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીની ટીમ કરી રહી છે. આ કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી તેના ભાઈ શોવિક ચક્રવર્તી સહિતના લોકો હાલ જેલમાં છે. ત્યારે એનસીબીની ટીમે શનિવારે મુંબઈ અને ગોવામાં ડ્રગ્સ પેડલરોને ત્યાં દરોડા પાડ્યા હતા.
એનસીબીની ટીમે મોટી કાર્યવાહી કરતા ડ્રગ્સ નેટવર્કના આકાઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, ડ્રગ્સ કેસમાં એનસીબીને કૈઝાનના નિશાના પર ધરપકડ કરાયેલ અનુજ કેશવાનીની પૂછપરછ દરમિયાન થયેલા ખુલાસાના આધારે પાડવામાં આવેલા દરોડામાં મોટી સફળતા મળી છે. એનસીબીની ટીમે મુંબઇ અને ગોવામાં ડ્રગ્સ પેડલરોના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે અને મોટી માત્રામાં ડ્રગ્સ કબજે કર્યું છે. તેમજ એનસીબીએ સાત ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે.
સુત્રોનું કહેવું છે કે ધરપકડ કરાયેલા ડ્રગ પેડલરમાં કરમજીત ઉર્ફે કેજે પણ શામેલ છે. કરમજીતની ગણતરી મુંબઇના ડ્રગના મોટા મોટા વેપારીઓ સાથે કરવામાં આવે છે. તેમજ કમરજીત જ સૈમ્યુઅલ મિરાંડા અને રિયાના ભાઈ શોવિકને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.
ઉલ્લેખનીય વાત એ છે કે, એનસીબીની ઘણી ટીમોએ સવારે ડ્રગના વેપારીઓ પર મુંબઇ અને ગોવાના અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. સમીર વાનખેડેના નેતૃત્વમાં અનુજ કેશવાનીની આગેવાની હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.