સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં ડ્રગ્સ એન્ગલની તપાસ કરનારી નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ શુક્રવારે મુંબઈની NDPS કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. 30 હજાર પાનાની ચાર્જશીટમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરના નિવેદન પણ જોડવામાં આવ્યા છે.
પાંચ આરોપી ફરાર ગણાવવામાં આવ્યા છે, જ્યારે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તી મુખ્ય આરોપી છે. એનસીબી મુંબઇ યુનિટ બોલિવૂડ ડ્રગ્સ કનેક્શન કેસમાં આજે પહેલી વાર ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે.
સુશાંત સિંહ કેસની તપાસ દરમિયાન ઇડીને ડ્રગ્સ સાથે જોડાયેલી ચેટ મળી હતી. જે બાદ ઇડીએ તે ચેટ એનસીબીને સોંપી હતી. જે બાદ કેસમાં એનસીબીની એન્ટ્રી થઇ અને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
એનસીબીની ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી સહિત કુલ ૩૩ લોકોના નામ આરોપી તરીકે છે. આમાં રિયા, શોવિક, દીપેશ સાવંત, સેમુઅલ મિરાંડા અને ક્ષિતિજ પ્રસાદના નામ છે. ઉપરાંત પકડાયેલા ડ્રગ્સ પેડલર સહિત રિયાની નજીકના અને કેટલાક ડ્રગ્સ પેડલર સપ્લાયરના નામ પણ ચાર્જશીટમાં સામેલ કરાયા છે.