Navratri Recipe 2023: આજે માં અંબાનું છઠ્ઠું નોરતુ છે. છેલ્લા ઘણાં સમયથી લોકો નવરાત્રીની રાહ જોઇને બેઠા હતા ત્યાં પાંચ નોરતા તો પૂરા થઇ ગયા અને આજે છઠ્ઠા નોરતાની શરૂઆત પણ થઇ ગઇ. આ માટે જ કહેવાય છે કે સમય ક્યાં જતો રહે છે એની ખબર પણ પડતી નથી. જો કે આ વાત સાચી છે. આમ, જો તમે પણ આજે શું પ્રસાદ બનાવવો એ વાતને લઇને વિચારી રહ્યા છો તો અમે તમારી માટે લાવ્યા છીએ સીંગની સુખડી. સીંગની સુખડી આજે તમે પણ ઘરે બનાવો અને માં અંબાને પ્રસાદમાં ધરાવો. તો જાણો ઘરે કેવી રીતે પરફફેક્ટ બનાવશો સીંગની સુખડી.
સીંગની સુખડી બનાવવા માટે સૌ પ્રથમ સીંગ કાચી હોય તો એને શેકી લો. તમે બજારમાંથી તૈયાર સીંગ પણ લાવી શકો છો. હવે આ સીંગના ફોતરા કાઢી લો. સીંગના ફોતરા ઘણાં લોકો કાઢતા હોતા નથી, પરંતુ આમ કરવાથી સુખડીનો કલર અને ટેસ્ટ બદલાઇ જાય છે. હવે આ સીંગને મિક્સરમાં અધકચરી પીસી લો. આ સીંગને તમારે મિક્સરમાં એકદમ પીસી લેવાની નથી.
હવે એક પેન લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો. ઘી ગરમ થઇ જાય એટલે ગોળ નાંખો અને એને પીગળવા દો. આ સમયે સતત હલાવતા રહો. ગોળ પીગળી જાય એટલે સીંગ નાંખો અને સતત હલાવો. ત્યારબાદ આમાં તલ નાંખો અને પછી ખાંડ નાંખો. હવે એકથી બે સેકન્ડ હલાવો અને પછી ગેસ બંધ કરી દો.
ગેસ બંધ કરીને તરત જ થાળીમાં નીચે ચારેબાજુ ઘી લગાવી દો અને પછી આ સુખડી પાથરો. સુખડી પાથર્યા પછી ચપ્પાની મદદથી કટકા કરી લો. કટકા કર્યા પછી સીંગની સુખડી પર થોડુ ઘી ચારેબાજુ નાંખો. આ ઘી તમારે બહુ નાંખવાનું નથી. એક ચમચી ઘી બધી જગ્યાએ સ્પ્રેડ કરી દેવાનું છે. તો તૈયાર છે સીંગની સુખડી.
મોટાભાગના લોકો સીંગની સુખડીમાં માત્ર ગોળ જ નાંખતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. આમ કરવાથી સુખડીનો ટેસ્ટ સારો આવતો નથી અને કડક પણ થાય છે. આ માટે ખાંડ પણ નાંખો.