Navratri Culture 2022: રાસ અને ગરબા એ ગુજરાતનું ઘરેણું છે. સદીઓથી માતાજીમાં અખૂટ શ્રદ્ધા સાથે ઊજવાતા આ પર્વમાં કોઈ અંગારા પર મશાલ-રાસ રમે છે તો કોઈક સળગતી ઈંઢોણી માથે મૂકે છે, ક્યાંક હવન-જ્યોતનો અનેરો મહિમા છે તો ક્યાંક નોરતિયાની પરંપરા. એક તરફ મૉડર્નાઇઝેશનને કારણે ડિસ્કો દાંડિયાનું ચલણ વધી રહ્યું છે ત્યારે આજે ગુજરાતની એવી જગ્યાઓની સફરે જઈએ જ્યાં આજે પણ સદીઓ જૂની પરંપરા સંચિત થઈને રહી છે.
માત્ર ગુજરાતમાં જ નહીં; રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં પણ હજારો-લાખો શ્રદ્ધાળુઓનાં ઘરે આજે પણ નવરાત્રિમાં પાવાગઢના શ્રી મહાકાળી માતાજીના મંદિરમાંથી લઈ જવાયેલી જ્યોત પ્રગટે છે. નવરાત્રિમાં પાવાગઢના મંદિરની જ્યોતનું મહત્ત્વ ખૂબ છે. સદીઓથી એક પરંપરા રહી છે. પાવાગઢમાં પર્વતની ટોચ પર દેવી સતીના જમણા પગની આંગળીઓ પડી હોવાની લોકવાયકા છે. શક્તિપીઠ પાવાગઢમાં હાજરાહજૂર શ્રી કાલિકા માતાજીના સ્થાનકે સદીઓથી નવરાત્રિના આગળના દિવસે એટલે કે અમાસના દિવસે હજારો ભાવિકો માતાજીના દીવામાંથી જ્યોત પ્રગટાવીને તેમના ઘરે લઈ જાય છે અને નવરાત્રિના ૯ દિવસ સુધી એ અખંડ જ્યોત રાખે છે એ પરંપરા વિશે વાત કરતાં શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા કહે છે, ‘નવરાત્રિના એક દિવસ પહેલાં અમાસના દિવસે જ્યોત લેવા માટે માતાજીના મંદિરે લોકો આવે છે. પોતાના ઘરેથી દીવો લઈને આવેલા શ્રદ્ધાળુઓ મંદિરમાં માતાજીની અખંડ જ્યોતમાંથી દીવો પ્રગટાવીને તેમના ઘરે લઈ જાય છે. અંદાજે ૨૦૦ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. ભાવિકો અમાસના દિવસે આવે, માતાજીનાં દર્શન કરે અને જ્યોત પ્રગટાવીને ઘરે લઈ જાય. ગુજરાતના આદિવાસી વિસ્તારો સહિતના વિસ્તારોમાંથી તેમ જ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી પણ ભાવિકો વર્ષોથી મંદિરે આવે છે અને જ્યોત પ્રગટાવીને લઈ જાય છે. ઘણા લોકોની બાધા કે માનતા હોય છે તો ઘણાને કરવઠું પણ હોય છે અને જ્યોત અહીંથી લઈ જાય છે.’
અમાસના દિવસે જ્યોત લેવા માટે ભાવિકોનો ધસારો રહેતો હોવાથી વ્યવસ્થા પણ કરવામાં આવે છે, એની વાત કરતાં અશોક પંડ્યા કહે છે, ‘આ દિવસે મંદિરે અખંડ જ્યોત માટે એક સ્ટૅન્ડ બનાવીએ છીએ. આ અખંડ જ્યોત કવર કરેલી હોય છે જેથી પવનથી એને રક્ષણ મળે. દિવેટો પણ મૂકવામાં આવે છે એટલે જો કોઈ શ્રદ્ધાળુ દિવેટ લીધા વગર આવ્યા હોય તો અહીંથી દિવેટ મળી રહે છે અને દીવો પ્રગટાવીને ઘરે લઈ જાય છે. અમાસના દિવસે એક અંદાજ મુજબ ૫૦,૦૦૦ જેટલા પરિવારોમાંથી એક સભ્ય કે વધુ સભ્યો મંદિરે જ્યોત લેવા માટે આવે છે. કેટલાક લોકો તેમના ઘરે જ્યોત લઈ જાય પછી તેમને ત્યાંથી કાકા-બાપાના લોકો પણ તેમના ઘર માટે જ્યોત પ્રગટાવી જાય છે. એટલે મૂળ જ્યોતમાંથી અનેક શ્રદ્ધાળુઓનાં ઘરે જ્યોત પ્રગટે છે.’
નવરાત્રિમાં ઘણા બધા ભાવિકો શ્રદ્ધાપૂર્વક જવારા ઉગાડે છે, પણ અમદાવાદ શહેરનાં નગરદેવી તરીકે પૂજાતાં શ્રી ભદ્રકાળી માતાજીના મંદિરે નવરાત્રિમાં જવારાનું મહત્ત્વ કંઈક જુદું જ છે. એટલું જ નહીં, આ એક એવું મંદિર છે જ્યાં નવરાત્રિની આઠમે મધરાતે હવન થાય છે, એની વાત કરતાં ભદ્રકાળી મંદિરમાં ચોથી પેઢીએ પૂજા કરતા પૂજારી દિનેશ અવસ્થી ઉર્ફે રાજાભાઈ કહે છે, ‘ઘણા ભાવિકોને ત્યાં નવરાત્રિમાં જવારા ઉગાડવાની પ્રથા છે. ભદ્રકાળી મંદિરમાં નવરાત્રિ દરમ્યાન જવારા ઉગાડવામાં આવે છે. જો આ જવારા વધુ ઊગે તો વર્ષ સારું જાય અને જવારા ઓછા ઊગે તો વર્ષ ઠીક-ઠીક રહે એવી માન્યતા છે અને એનો અનુભવ મને થયો છે. મંદિરમાં ઘટસ્થાપન વખતે જવારા વાવીએ છીએ અને કપડાની આડમાં જવારા રાખીએ છીએ. દશેરાના દિવસે ઘણા ભાવિકો મંદિરથી જવારા લઈ જાય છે અને ઘરમાં જ્યાં લક્ષ્મી હોય ત્યાં મૂકે છે. આ મંદિરમાં આઠમનાં દર્શનનું મહત્ત્વ છે. સવારે ૪ વાગ્યે મંદિર ખૂલી જાય છે. એ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવે છે. આઠમે મંદિરમાં દિવસે હવન નથી કરતા, પણ આઠમની મોડી રાતે ૧૨ વાગ્યે હવન થાય છે અને સૂર્યોદય પહેલાં ચાર-સાડાચાર વાગ્યે શ્રીફળ હોમાય છે. ભદ્રકાળી મંદિર એક એવું મંદિર છે જ્યાં આઠમની મધરાતે હવન થાય છે. મોડી રાતે શાંતિથી હવન થાય છે.’