Navratri Celebration 2022: ગુજરાત સહિત દેશભરમાં નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી રહ્યાં છે. ત્યારે શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વ એવા નવરાત્રીમાં પણ વેસ્ટર્ન કલ્ચર જોવા મળી રહ્યું છે. લોકો પાર્ટી પ્લોટોમાં ડીજેના તાલે ગરબે ઘૂમતા જોવા મળી રહ્યાં છે. ત્યારે આજના આ આધુનિક યુગમાં હજુ પણ પ્રાચીન દેશી રાસ ગરબાઓની પરંપરા નાના ગામડાઓમાં અકબંધ છે.
અમરેલીના સાવરકુંડલામાં બાળ ખોડિયાર મંડળ દ્વારા અનોખી રાસની પરંપરા છેલ્લા 75 વર્ષથી જાળવેલી છે. સાવરકુંડલાના દેવળાગેઇટ પર રમાતી દેશી ઢબની નવરાત્રીમાં ખલૈયાઓ ટ્રેડિશનલ વસ્ત્રો ધારણ કરી મશાલ ગરબાની રમઝટ બોલાવી રહ્યાં છે. આ મશાલ ગરબામાં 5 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના વૃદ્ધો એક હાથમાં સળગતી મશાલ લઈને વિવિધ સ્ટેપ કરતા જોવા મળે છે.
1947માં દેશી ઢબની રાસ મંડળીઓ કેડે કંદોરો, કડીયું ને ચોરણી સાથે જૂનવાણી સમયમાં રમાતી રાસ મંડળીઓ જોવાની હજુ પણ ઘેલછાઓ પાર્ટી પ્લોટમાં જોવા નથી મળતી તેવી આખી અલગ પ્રકારની આ રાસલીલા છે. આ ખોડિયાર બાળમંડળ 75માં વર્ષે મશાલ રાસ દ્વારા એક અનોખી છાપ જોડી જાય છે ને નાના બાળકથી લઈને 75 વર્ષના વૃદ્ધો પણ દેશી લયમાં માં જગદંબાની આરાધના કરતા હોય છે. મહત્વનું છે કે મશાલ રાસ એક માત્ર અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જ જોવા મળે છે જેને જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં જનમેદની ઉમટે છે.
આ અંગે ખોડિયાર બાળ મંડળના આયોજક કનુભાઈ રાઠોડે જણાવ્યું કે, ‘અહીંયા આ ગરબીની સ્થાપના 1947ની અંદર થયેલી છે. જેમાં મૂળ બાપા ‘બારોટ’ હતા અને ડાહ્યાબાપા હતા. એ લોકોએ જે ડબ્બામાં સ્થાપના કરેલી હતી. 1947થી માંડીને અત્યારની જે પ્રાચીન ગરબી અને જે પરંપરા ચાલી આવે છે તે પ્રમાણે જ આપણે ત્યાં ગરબીનું આયોજન થાય છે. આ જે ગરબી છે તે ‘ખોડિયાર માતાના થાપા’ની ગરબી છે.’
વધુમાં ખેલૈયા મહેન્દ્ર ટાંકએ જણાવ્યું કે, ‘અમારા સાવરકુંડલાની અંદર કે અમરેલી જિલ્લાની અંદર આ મશાલ રાસ ક્યાંક રમાતો નથી. આ મશાલ રાસ અમારી પેઢીઓથી એટલે કે મારા દાદા, મારા પપ્પા અને હું એમ ત્રીજી પેઢીથી અમે આ મશાલ રાસ રમીએ છીએ. અમારા ખોડિયાર બાળ મંડળની અંદર 75 વર્ષથી આ વર્ષે અમે અમૃત મહોત્સવ ઉજવી રહ્યાં છીએ. અમે દર વખતે નવી-નવી મૂર્તિ અને નવા-નવા ડેકોરેશન અમે 75 વર્ષથી, જ્યારે અમારા અરજન ડાહ્યાએ આ તેલના ડબ્બાની અંદરથી શરૂઆત કરેલી ત્યારથી અમે લોકો નવા-નવા છોકરાઓ અને નવી-નવી વ્યક્તિએ પરંપરા મુજબ અમારા બાપદાદાની પેઢીઓનું અમે ચાલુ રાખ્યું છે.’