Navratri Celebration 2022: હાલમાં માતાજીની આરાધનાનો પર્વ એટલે કે નવરાત્રી ચાલી રહી છે. ત્યારે આજના નવ યુવાનોમાં સમાજ કલ્યાણ અને દેશપ્રેમ ઉજાગર કરવાના હેતુથી રાધે રાધે પરીવાર ગાંધીનગર અને આર.સી.સેલ્સ, કર્ણાવતી પરીવાર દ્વારા ગિફ્ટ સિટી ક્લબ, ગાંધીનગર ખાતે ગુજરાતના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ખેલૈયાઓએ 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ રાષ્ટ્રધ્વજને સન્માન આપવામાં આવ્યું હતું.
ગાંધીનગરના રાધે રાધે પરીવાર અને આર.સી. સેલ્સ, કર્ણાવતી પરીવાર દ્વારા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી એટલે ગિફટ સિટી ક્લબ, ગાંધીનગર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ 2022 માં ગુજરાતના ઇતિહસમાં સૌ પ્રથમ વખત ખેલૈયાઓએ 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ રાષ્ટ્રધ્વજને સન્માન આપી અને અમર શહીદ ભગતસિંહની જયંતી પર એમને નમન કરી ગરબાની શરૂઆત કરી હતી.
રાધે રાધે પરિવારની આ 26મી શૌર્યયાત્રા હતી, જે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. ગીફ્ટસીટી ખાતે નવરાત્રીમાં વિશાળ તિરંગા યાત્રાથી સુંદર વાતાવરણમાં ભક્તિ સાથે દેશભક્તિ પણ છલકતી હતી. અત્યારના યુવાનોમાં માતાજીની ભક્તિ સાથે દેશ ભક્તિની પણ ઊર્જા અને પ્રેરણા મળી રહે તે ઉમદા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ યાત્રા દરમિયાન ગ્રાઉન્ડમાં ઉપરથી સુંદર તિરંગાનો નજારો દેખાતો હતો, આ સાથે ઉત્તમ ઉદાહરણમાં ભક્તિ સાથે દેશભક્તિના સમન્વયનો સંદેશો જોવા મળ્યો હતો. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે રાધે રાધે પરિવાર દ્વારા ગુજરાતના ખ્યાતનામ મંદિરો અને જગ્યાઓ જેવી કે સોમનાથ, કાગવડ, સારંગપુર, અંબાજી, નડાબેટ, મહેમદાવાદ, સુરેન્દ્રનગર, 108 કેમ્પસ, ગાંધીનગર, કડી, નરેન્દ્રમોદી સ્ટેડિયમ, દાહોદ, કર્ણાવતી, ઓઢવ, નિકોલ, ઘાટલોડિયા, કલોલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, સિદ્ધપુર, મુંબઈ, લાંઘણજ જેવી જગ્યાએ 1551 ફૂટ લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે શૌર્ય મહાયાત્રા નીકળી લોકોમાં દેશભક્તિ ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તાજેતરમાં આ પરિવાર દ્વારા 25 યાત્રા પૂર્ણ કરી તે બદલ 25 દીકરી જેને માતા કે પિતા ના હોય, આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવી દીકરીઓને સોનાની બુટ્ટી અર્પણ કરી 25 યાત્રાની સફળતાની ઉજવણી કરી હતી.