બીજુ જનતા દળ (BJD)ના પ્રમુખ નવીન પટનાયકે સોમવારે તેમની પાર્ટીના 9 રાજ્યસભા સભ્યો સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન પટનાયકે તેમને 27 જૂનથી શરૂ થઈ રહેલા સંસદના ઉપલા ગૃહના આગામી સત્ર દરમિયાન એક વાઇબ્રન્ટ અને મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવા આહ્વાન કર્યું હતું. બેઠકમાં તેમણે સાંસદોને રાજ્યના હિતોને લગતા મુદ્દાઓને યોગ્ય રીતે ઉઠાવવા પણ કહ્યું હતું. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા રાજ્યસભામાં પાર્ટીના નેતા સસ્મિત પાત્રાએ કહ્યું, ‘આ વખતે બીજેડી સાંસદો માત્ર મુદ્દાઓ પર બોલવા સુધી મર્યાદિત નહીં રહે. જો કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર ઓડિશાના હિતોની અવગણના કરશે તો તેઓ આંદોલન કરવા મક્કમ છે.
બીજેડી નેતાએ કહ્યું કે ઓડિશાને વિશેષ દરજ્જાની માંગણી કરવા ઉપરાંત, પાર્ટીના સાંસદો રાજ્યમાં નબળી મોબાઇલ કનેક્ટિવિટી અને બેંક શાખાઓની ઓછી સંખ્યાનો મુદ્દો પણ ઉઠાવશે. પાત્રાએ કહ્યું, ‘છેલ્લા 10 વર્ષથી કેન્દ્ર સરકારે કોલસાની રોયલ્ટીમાં સુધારાની ઓડિશાની માંગને અવગણી છે. આના કારણે રાજ્યના લોકોને મોટું નુકસાન થઈ રહ્યું છે અને તેઓ તેમના હકના હિસ્સાથી વંચિત છે, એમ તેમણે કહ્યું કે રાજ્યસભામાં 9 સાંસદો મજબૂત વિપક્ષ તરીકે કામ કરશે.
‘હવે ભાજપને કોઈ સમર્થન નથી’
જ્યારે સસ્મિત પાત્રાને પૂછવામાં આવ્યું કે શું બીજેડી ભાજપની આગેવાની હેઠળની સરકારને મુદ્દા આધારિત સમર્થન આપવાના તેના પહેલાના વલણને વળગી રહેશે, તો તેમણે કહ્યું, ‘હવે ભાજપને સમર્થન નથી, માત્ર વિરોધની ભૂમિકા ભજવશે. અમે ઓડિશાના હિતોની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએ.’ પાત્રાએ બાદમાં પીટીઆઈને કહ્યું, ‘ભાજપને સમર્થન આપવાનો કોઈ પ્રશ્ન જ નથી. બીજેડી પ્રમુખે અમને કહ્યું કે જો એનડીએ સરકાર ઓડિશાની સાચી માંગણીઓની અવગણના કરવાનું ચાલુ રાખે છે, તો આપણે એક મજબૂત અને વાઇબ્રન્ટ વિપક્ષ તરીકે કામ કરવું જોઈએ.