ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ટીકીટ ફાળવણી મુદ્દે ભારે અસંતોષ ફેલાયો છે.નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનો પાયો નાખનાર ડો.કિરણ વસાવાએ ગંભીર આક્ષેપો લગાવી પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપી દીધું છે.અત્રે એ ઉલ્લેખીય છે કે દેડીયાપાડા બેઠક માટે ડો.કિરણ વસાવા પણ આમ આદમી પાર્ટીના દાવેદાર હતા.
ગુજરાત પ્રદેશ આદીવાસી મોરચાના જોઇન્ટ સેક્રેટરી અને નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ડો.કિરણ વસાવાએ જણાવ્યું હતું કે આજથી 3 વર્ષ પેહલા નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીને કોઈ જાણતું પણ નહોતું એવા સમયે અમે પોતાના ખર્ચે ઘરે ઘરે ફરી આમ આદમી પાર્ટીનું સંગઠન બનાવ્યું હતું, અમે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનો પાયો નાખ્યો અને છેલ્લાં ઘણા સમયથી અમારી જ પાર્ટીમાં અવગણના કરવામાં આવી રહી છે.અમારું અપમાન કરવામાં આવે છે અમારું કોઈ સાંભળતું નથી.આખા ગુજરાતમાં મૂળ સંગઠનના કાર્યકરોને છોડીને અન્ય પાર્ટી માંથી આવેલા અને ભ્રષ્ટાચાર કરી આવેલા લોકોને વિધાનસભાની ટીકીટ આપવામાં આવી છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટી એમ કહે છે કે અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવીશું. જો ભ્રષ્ટાચારીઓને ટીકીટ આપશો તો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કેવી રીતે બનશે.એમણે આક્ષેપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટીએ આખા ગુજરાતમાં પૈસાના જોરે ટીકીટ વેચાતી આપી છે એટલે જૂના કાર્યકરો ખૂબ નારાજ છે.
તો બીજી બાજુ ગરુડેશ્વર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ અતુલ તડવીએ રાજીનામું આપતા આક્ષેપ લગાવ્યો હતો કે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રવિરોધી વિચારધારા અને કાર્યપ્રણાલીથી હું ખૂબ નારાજ છું. ભાગલાવાદી વિચારધારા અને ખોટી કાર્યપધ્ધતિથી નારાજ થઈ હું આમ આદમી પાર્ટીમાંથી હુ રાજીનામું આપું છું.