બિહારના મુંગેરમાં દશેરા પર્વ પર માં દુર્ગાની મૂર્તિ વિસર્જન દરમિયાન થયેલ ફાયરીંગમાં મોત મામલે ચૂંટણીપંચે મોટી કાર્યવાહી કરી છે. લોકોના રોષને જોતા મુંગેરના ડીએમ અને એસપી બન્નેને હટાવી દીધા છે.
આ પહેલા ગુરુવારે રોષે ભરાયેલા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને રસ્તા પર ઉતરી વાહનોને આગ ચાંપી દીધી હતી. તેમજ પૂર્વ સરાય પોલીસ સ્ટેશનમાં પથ્થરમારો કર્યો અને આગ પણ લગાવી દીધી હતી. પોલીસ સ્ટેશન સામેના પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને પણ તેઓએ સળગાવી દીધા હતા.
પ્રદર્શનકારીઓએના રોષને જોતા તેમજ પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસની અન્ય ફોર્સને ઘટના સ્થળે ખડકી દેવામાં આવી હતી. આ મામલાની ગંભીરતા અને લોકોના રોષને જોતા ચૂંટણી પંચે મુંગેરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા જિલ્લા અધિકારી અને પોલીસ અધીક્ષકને હટાવી દેવાના આદેશ આપ્યા છે.
આ સાથે જ સમગ્ર મામલાની તપાસ મગઝના ડિવિઝન કમિશનરને સોંપવામાં આવી છે, જે સાત દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે.