રાજ્યમાં હવે અનલોક-5માં એસટી બસ તેમજ અન્ય વાહનોમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જે અંતર્ગત બસમાં હવેથી 75 ટકા લોકો મુસાફરી કરી શકશે. એટલે કે 60 બેઠકવાળી બસમાં હવે 45 લોકોને બેસવા માટે મંજૂરી આપવામાં આવશે. જ્યારે અન્ય વાહનોમાં પણ છૂટછાટ આપવામાં આવી છે.
ગુજરાતમાં વાહન વ્યવહારને લઈને અનલોક-5માં છૂટછાટમાં ઢીલ મુકવામાં આવી છે. જે અંતર્ગત પ્રાઈવેટ વાહનો અને સરકારી વાહનોમાં પણ પહેલા કરતા છૂટછાટ વધારવામાં આવી છે. જીએસઆરટીસી એટલે કે એસટી બસ, સિટી બસ, પ્રાઈવેટ બસ સર્વિસમાં 75 ટકા લોકોને બેસાડી શકાશે. જ્યારે મેટ્રો રેલ સેવા કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ યથાવત રહેશે.
ગુજરાતમાં રીક્ષામાં 1 ડ્રાઈવર સહિત હવે બે લોકોને બેસાડી શકાશે. તો કેબ સર્વિસમાં 1 ડ્રાઈવર સહિત 3 લોકોને બેસાડી શકાશે. જોકે, 6થી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા હોય તો 4 લોકોને બેસાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. જ્યારે પ્રાઈવેટ કાર હોય તો 1 ડ્રાઈવર સહિત 3 લોકો હવેથી મુસાફરી કરી સકશે. જોકે, ટુ વ્હિલર પર 2 લોકો જ સવારી કરી શકશે. મહત્વનું છે કે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી મુસાફરોએ બસ, રીક્ષા કે અન્ય કોઈપણ સાધનમાં મુસાફરી કરતા સમયે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે.