ગુજરાતની રુપાણી સરકારે ખેડૂતો માટે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય મંત્રી મંડળની મળેલી બેઠકમાં સરકારે વધુ 6 ઉપજની ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય કર્યો છે. રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ડાંગર, મકાઇ, બાજરી, મગ,અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે, રાજ્યમાં મગફળી ઉપરાંત ડાંગર, મકાઇ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી કરાશે.
જે મુજબ ખરીફ પાકોમાં મગફળીની ખરીદી માટે 13,66,000 મેટ્રિક ટન ખરીદવા માટે દરખાસ્ત કરાઈ હતી. રાજ્યમાં ડાંગરની ટેકાના ભાવે ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ. 1868/-ના ભાવે, મકાઇ રૂા.1850/-ના ભાવે, બાજરી રૂ.2150/-ના ભાવે, મગ રૂ. 7196/-ના ભાવે, અડદ રૂ.6,000/- અને સોયાબીનની રૂ. 3880/- પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવશે.
આર.સી. ફળદુએ જણાવ્યું કે આ ખરીદી રાજ્યના પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવશે. જેના માટે નોંધણીની તારીખ અને સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ ડાંગર માટે 92 સેન્ટર, મકાઈ 61 સેન્ટર, મગ માટે 71 કેન્દ્ર, અડદ માટે 80 કેન્દ્ર અને સોયાબીન માટે 60 અને બાજરીની ખરીદી માટે 57 કેન્દ્ર કાર્યરત કરીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. ડાંગર, મકાઇ અને બાજરી માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તારીખ 1 ઓક્ટોબર 2020થી શરૂ કરી દેવામાં આવી છે. જે તા. 29 ઓક્ટોબર 2020 સુધી ચાલશે. તો મગ, અડદ અને સોયાબીન માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા 12 ઓક્ટોબર 2020થી શરૂ થશે જે 31મી ઓક્ટોબર 2020 સુધી ગ્રામ્યકક્ષાએ થશે અને એની ખરીદી પ્રક્રિયા 2જી નવેમ્બર-2020 થી તા.30 જાન્યુઆરી-2021 સુધી ચાલશે.