ગુજરાત સરકાર દ્વારા સરકારી ભરતી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તેવી તમામ જગ્યાઓ સહિત આઠ હજાર જગ્યાઓ માટે નિમણૂંક પત્ર તાત્કાલિક આપવાના સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આગામી પાંચ મહિનામાં વધુ 20 હજાર યુવાનોને સરકારી નોકરીની તક મળી રહેશે.
મુખ્યપ્રધાને GPSC, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળને પણ બાકી ભરતીઓની પ્રક્રિયા તાત્કાલિક કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત જે સરકારી ભરતીઓની જાહેરાત થઈ છે પરંતુ પરીક્ષા લેવાની પ્રક્રિયા બાકી છે ત્યાં કોવિડ 19ની સ્થિતિ સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવા સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
આ નવા આદેશથી સરકારી નોકરી માટે તૈયારીઓ કરતા રાજ્યના હજારો યુવાનો અને તેમના પરિવારજનોને સીધો ફાયદો મળશે. માનવામાં આવી રહ્યું છે કે, સરકારની આ જાહેરાતથી રાજ્યમાં 20 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીની તક મળશે. સાથે જ સરકારી નોકરી માટે તૈયારીઓ કરનારા યુવક-યુવતીઓ હવે પોતાની તૈયારીઓ વેગવંતી બનાવી શકશે. રાજ્યના વિવિધ વિભાગમાં છેલ્લા ચાર વર્ષોમાં સવા લાખ ભરતી કરાઈ છે. ત્યારે અટકેલી સરકારી નોકરીની ભરતી હવે તાત્કાલિક કરાશે.