પોરબંદરના છાંયા વિસ્તારમાં અજાણી માતાએ પોતાના નવજાત બાળકને એક મકાનની છત ઉપર છોડી દેતાં તેનો રડવાનો અવાજ સાંભળીને લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને બાળકનો કબ્જો પોલીસને સોંપાતા તેને લેડી હોસ્પિટલમાં લઇ જવાયું છે અને અજાણી માતા સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.
પોરબંદરના છાંયા ખડાવિસ્તારમાં આવેલ ખોડીયાર સોસાયટીમાં રહેતા ભરત પ્રભુભાઇ ચામડીયા નામના બિરલા ફેકટરીમાં મજુરી કામ કરતા યુવાને એવી ફરિયાદ નોંધાવી છે કે, તેના મકાનની છતમાંથી પાણી પડતું હતું આથી સિમેન્ટના વાટા કરવા માટે ગયો ત્યારે બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો તેથી આજુબાજુમાં કોઇને ત્યાં બાળક રડતું હશે તેવું માનીને બહું ધ્યાન આપ્યું નહી.
એ દરમિયાન બાળક વધુ રડવા લાગતા છતની પાળી ઉપર ચડીને ભરતે જોયું તો તેના મકાનની પાછળના મકાનની સીડીની કેબીન ઉપર તાજુ જન્મેલું નવજાત બાળક સિન્ટેકસ ટાકીની બાજુમાં સુતેલું હતું અને એકદમ રડતુંµ હતું આથી આજુબાજુના માણસોને બોલાવ્યા હતા.
આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા અને 100 નંબરમાં ફોન કરીને કંટ્રાેલરૂમને જાણ કરતા કમલાબાગ પોલીસ સ્ટેશનથી પોલીસ જવાનો આવ્યા હતા અને બાળકનો કબ્જો લઇને રૂપાળીબા લેડી હોસ્પિટલે લઇ ગયા હતા. આ બનાવમાં અજાણી માતા સામે બાળકને જન્મ આપીને જાહેરમાં ત્યજી દેવાનો ગુન્હો નોંધાવ્યો છે.