મહારાષ્ટ્રના નાગપુરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પતિ સાથે ઝઘડા પછી એક મહિલા એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે તેની ત્રણ વર્ષની માસૂમ પુત્રીનું ગળું દબાવીને હત્યા કરી નાખી. પોલીસના જણાવ્યા અનુસાર હત્યા બાદ મહિલા તેની પુત્રીના મૃતદેહને લઈને લગભગ 4 કિલોમીટર સુધી રોડ પર ફરતી રહી. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના સોમવારે મોડી રાત્રે MIDC પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. આરોપી મહિલા, 23 વર્ષીય ટ્વિંકલ રાઉત અને તેના પતિ રામ લક્ષ્મણ રાઉત (24) ચાર વર્ષ પહેલા રોજગારની શોધમાં નાગપુર ગયા હતા. તેઓ એક પેપર મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કરતા હતા અને MIDC વિસ્તારમાં હિંગણા રોડ પર કંપનીના પરિસરમાં એક રૂમમાં રહેતા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા
પોલીસે જણાવ્યું હતું કે પરસ્પર અવિશ્વાસના કારણે તેમના સંબંધો વારંવાર ઝઘડામાં પરિણમ્યા હતા. સોમવારે સાંજે લગભગ 4 વાગ્યાના અરસામાં દંપતી વચ્ચે ફરી ઝઘડો થયો હતો. ઉગ્ર બોલાચાલી વચ્ચે તેમની પુત્રી રડવા લાગી હતી. ગુસ્સે થઈને મહિલા તેની પુત્રીને ઘરની બહાર લઈ ગઈ હતી અને કથિત રીતે બાળકીની ઝાડ નીચે ગળું દબાવી હત્યા કરી હતી.
માતા લાશ સાથે રાતે રખડતી રહી
બાદમાં તે મૃતદેહ સાથે ચાર કિલોમીટર સુધી ચાલી હતી. તેણે કહ્યું કે રાત્રે લગભગ 8 વાગ્યે તેણે પોલીસ પેટ્રોલિંગ વાહન જોયું અને સુરક્ષા કર્મચારીઓને આ ઘટના વિશે જાણ કરી. પોલીસ બાળકીને હોસ્પિટલમાં લઈ ગઈ જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી, અધિકારીએ જણાવ્યું. પોલીસે બાદમાં મહિલાની ધરપકડ કરી અને તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ આરોપ મૂક્યો, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે મહિલાને બાદમાં કોર્ટમાં રજૂ કરવામાં આવી, જ્યાંથી તેને 24 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી.