નરેન્દ્ર મોદી સરકારે વર્ષ 2020 સુધી દેશના તમામ બેઘર પરિવારો પાકા મકાનો પુરા પાડવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે. આ દિશામાં પીએમ મોદીએ 2021ના પ્રારંભે વીડિયો કોંફ્રન્સિંગ દ્વારા લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. નવા વર્ષના પ્રથમ દિવસે છ રાજ્યોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ(LHP)નો શિલાન્યાસ કર્યો છે.
તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ-ઈન્ડિયા(GHTC) અંતર્ગત ગુજરાતના રાજકોટ સહિત દેશના છ રાજ્યોના છ શહેરોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. પીએમ મોદીએ રાજકોટ ઉપરાંત ત્રિપુરાના અગરતલા, ઝારખંડના રાંચી, ઉત્તરપ્રદેશના લખનૌ, તમિલનાડુના ચેન્નાઈ અને મધ્યપ્રદેશના ઈન્દોરમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. તેમાં વિશ્વની સારામાં સારી ટેક્નિકથી દર વર્ષે 1000 ઘર તૈયાર કરવામાં આવશે.
પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું હતું કે આજે મધ્યમ વર્ગના લોકો માટે ઘર બનાવવાની દિશામાં નવી ટેક્નોલોજી મળી રહી છે. આ 6 લાઇટ હાઉસ પ્રોજેક્ટ દેશના નિર્માણની દિશામાં નવો માર્ગ બતાવશે. પીએમએ કહ્યું કે આ કો ઓપરેટિવ ફેડરલિઝ્મનું ઉદાહરણ છે. તેમણે જણાવ્યું કે, છ શહેરોમાં દર વર્ષે 1 હજાર ઘર બનશે. ઈન્દોરોમાં જે ઘર બની રહ્યાં છે, તેમાં પ્રી-ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરનો ઉપયોગ થશે. ગુજરાતમાં ફ્રાન્સની ટેકનોલોજીનો ઉપયોગ કરી ઘર બનાવાશે. મહત્વનું છે કે, દરેક લોકેશન પર વર્ષે 1000 ઘર બનશે. દરેક દિવસે અઢી એટલે કે મહીને 90 ઘર બનશે.