ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના સતત બીજા દિવસે 1 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં 21 જુલાઈથી 22 જુલાઈ સુધીમાં કોરોનાના 1020 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 51485 થઈ ગઈ છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ગુજરાતમાં 24 કલાકમાં વધુ 28 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2229 થયો છે. જ્યારે 24 કલાકમાં 837 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 37240 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 256 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 196, વડોદરામાં 80 કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજકોટમાં 55 ભાવનગરમાં 38, ભરુચ-દાહોદમાં 27-27, મહેસાણામાં 24 કેસ સામે આવ્યા છે. હાલ રાજ્યમાં કુલ 12016 એક્ટિવ કેસ છે. જેમાં 78 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 11938 સ્ટેબલ છે.