ગુજરાત ગુનાખોરીનું હબ બની રહ્યું છે. સામાન્ય બાબતોમાં હત્યા સુધીની ઘટનાઓ અનેક સવાલો ઊભા કરે છે. રોજે રોજ હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે અને તે પણ એવી બાબતોને લઈ જ્યાં હત્યા કરવા સુધીની કોઈ પરિસ્થિતી ન હોય. ત્યારે ફટાકડા ફોડવાની બાબતમાં મધ્યસ્થી કરી રહેલા વ્યક્તિની હત્યા કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી (Morbi) શહેરના લાભનગર વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે બે વ્યક્તિઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. વલ્લી નામનો એક વ્યક્તિ લખમણભાઈના ઘર પાસે ફટાકડા ફોડી રહ્યો હતો. જેથી લખમણભાઈએ વલ્લીને પોતાના ઘર પાસે ફટાકડા ફોડતા રોક્યો હતો. વલ્લી લખમણભાઈની વાતથી ઉશ્કેરાઈ ગયો અને લખમણભાઈ સાથે માથાકૂટ કરવા લાગ્યો. ત્યારે રાજેશ ગઢવી નામના વ્યક્તિ પોતાના ઘરની બહાર બેઠા હતા. તેઓ વલ્લી પાસે આવ્યા અને માથાકૂટ ન કરવા સમજાવી રહ્યા હતા. ત્યારે વલ્લીએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર રાજેશ ગઢવીને છાતીમાં છરીનો ઘા મારી દીધો હતો
રાજેશ ગઢવીને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પણ તેમની તબિયત નાજુક જણાતાં રાજેશ ગઢવીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાજેશ ગઢવીને પ્રથમ ઈમરજન્સી વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જો કે, ટૂંકી સારવાર બાદ રાજેશ ગઢવી મોતને ભેટ્યા હતા. ઘટનાને લઈ રાજેશ ગઢવીના ભત્રીજા સિદ્ધાર્થની ફરિયાદને આધારે આરોપી વલ્લી સામે પોલીસે (Morbi Police) હત્યા મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.