તૃણમૂલ કોંગ્રેસની ફરિયાદ પર ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્રમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર હટાવવાનો આદેશ કર્યો છે. ટીએમસીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર પર મોદીની તસવીરની હાજરી એ આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે.
કેરળ, પુડુચેરી, આસામ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ એમ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીની આચારસંહિતાને ધ્યાનમાં રાખીને જ ચૂંટણીપંચે આ નિર્ણય લીધો છે.
ચૂંટણીપંચે આ રાજ્યોમાંથી વેક્સિન સર્ટિફિકિટ પર પ્રધાન મંત્રી મોદીની તસવીર હટાવવાનો આદેશ આપતા જણાવ્યું કે, જે રાજ્યોમાં આચારસંહિતા લાગુ છે ત્યાં પીએમ મોદીનો ફોટાનો ઉપયોગ ના કરી શકાય. ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને આદેશ કર્યો છે કે ચૂંટણીના નિયમોનું અક્ષરશ: પાલન કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલવામાં આવેલા એક પત્રમાં ચૂંટણી પંચે આચાર સંહિતાની અમુક જોગવાઈનો ઉલ્લેખ કર્યો છે, જે સરકારી ખર્ચ અને જાહેરાત પર પ્રતિબંધ લગાવે છે. ઉલ્લેખનીય છે કે હાલ પશ્ચિમ બંગાળ, આસામ, તાલિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં આદર્શ આચાર સંહિતા લાગૂ છે.