રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. હવે આજે એટલે કે 2 માર્ચને મંગળવારના રોજ મતગણતરી યોજાઈ રહી છે. અત્યાર સુધીના પરિણામ પર નજર કરીએ તો ફરી એકવાર ભાજપે પોતાનો દબદબો કાયમ રાખ્યો હોય તેમ જોવા મળી રહ્યુ છે.
2010ની પાલિકા પંચાયતની ચૂંટણી બાદ ફરી ઠેર-ઠેર ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે, શહેરો બાદ ગામડાંઓમાં પણ મોદીના નામે ભાજપને ખોબલે ને ખોબલે મત મળ્યાં છે. 2015માં કોંગ્રેસનો જે જગ્યાઓ પર વિજય થયો હતો ત્યાં પણ આજે પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો છે. બીજીતરફ આમ આદમી પાર્ટી ધીમી ગતિએ આગળ વધી રહી છે. સુરત મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં બેઠકો મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે જિલ્લા પંચાયત, તાલુકા તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં પણ એંટ્રી કરી ચુકી છે. સૌરાષ્ટ્ર, સુરત, સાબરકાંઠામાં AAPની એન્ટ્રી થઈ ગઈ છે, જેમાં તાલુકામાં 18 અને નગરપાલિકામાં 22 બેઠકો સાથે “આપ” આગળ છે.
બીજીતરફ જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં “કમળ” ખીલ્યું છે. ઠેર-ઠેર ભાજપના કાર્યકરો ઢોલ-નગારા સાથે રોડ પર ઉમટી પડ્યા છે. 12 વાગે ભાજપ કાર્યાલય ‘કમલમ્’માં વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જ્યારે 1.30 વાગે સીએમ વિજય રૂપાણી પણ ઉજવણીમાં હાજર રહેશે. જ્યારે કોંગ્રેસ કાર્યાલયોમાં કાગડાં ઉડી રહ્યા છે. 28 ફેબ્રુઆરીના રોજ 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા, તાલુકા પંચાયતોમાં 69.18 ટકા અને નગરપાલિકાઓમાં 59.05 ટકા મતદાન થયું હતું. શહેરી વિસ્તાર કરતા ગામડાઓમાં મતદાન સારૂ રહ્યું હતું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત 8747 બેઠકોમાંથી 237 બેઠક બિનહરીફ થઇ હતી. જેમાં જિલ્લા પંચાયતમાં ભાજપે 25 બિનહરીફ, નગરપાલિકામાં 95 માંથી ભાજપને 92, કોંગ્રેસને 2, અન્યને 1 બેઠક મળી છે, તાલુકા પંચાયતની કુલ 117 બિનહરીફમાંથી ભાજપને 111, કોંગ્રેસને 5 અને અન્યને 1 બેઠકો મળી છે.