સુપ્રીમ કોર્ટે બુધવારે નકલી ચલણ અંગેના કેસની સુનાવણી કરતા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સખત ઠપકો આપ્યો છે. કોર્ટે NIAને પૂછ્યું કે આ કેસમાં ચાર વર્ષ સુધી ટ્રાયલ કેમ શરૂ ન થઈ શકી. જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની ડિવિઝન બેંચે એનઆઈએને કડક શબ્દોમાં પૂછ્યું કે શું તમે તેને મજાક માનો છો? કોર્ટે કઠોર સ્વરમાં કહ્યું કે તમારા કારણે જ આરોપીને ચાર વર્ષ સુધી કોઈપણ ટ્રાયલ વગર જેલમાં રહેવું પડ્યું.
કોર્ટે એમ પણ કહ્યું કે, શું તમે નથી જાણતા કે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લીધા વિના, કોઈપણ આરોપીને બંધારણની કલમ 21 હેઠળ ઝડપી ટ્રાયલનો અધિકાર છે? આમ છતાં તમે આરોપીને ચાર વર્ષ સુધી ટ્રાયલ વગર જેલમાં રાખ્યા.
ડિવિઝન બેન્ચે કડક શબ્દોમાં ટિપ્પણી કરી કે, “તમે NIA છો. કૃપા કરીને ન્યાયની મજાક ન કરો. ચાર વર્ષ વીતી ગયા, પરંતુ હજુ સુધી કેસની સુનાવણી શરૂ થઈ નથી. આવું ન થવું જોઈતું હતું. આરોપીએ ગમે તેટલો ગુનો કર્યો હોય, તેને ઝડપી સુનાવણીનો અધિકાર છે.” આ ટિપ્પણી સાથે, સુપ્રીમ કોર્ટે આરોપીને જામીન આપ્યા.
કોર્ટે કહ્યું કે ગુનાઓ ગમે તેટલા ગંભીર હોય, દરેક આરોપીને બંધારણ હેઠળ ઝડપી સુનાવણીનો અધિકાર છે. આ કેસમાં આરોપીના આ અધિકારનું ઉલ્લંઘન થયું છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ બોમ્બે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં હાઈકોર્ટે આ વર્ષે ફેબ્રુઆરીમાં આરોપીઓને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
મુંબઈ પોલીસે 2020માં ગુપ્ત દસ્તાવેજોના આધારે આરોપીની ધરપકડ કરી હતી જેના કારણે પાકિસ્તાનથી કથિત રીતે આવતી નકલી કરન્સી મળી આવી હતી. NIAએ બાદમાં કેસની તપાસ સંભાળી અને ખુલાસો કર્યો કે અપીલ કરનાર આરોપી ફેબ્રુઆરી 2020માં દુબઈ ગયો હતો અને ત્યાંથી નકલી ચલણ લાવ્યો હતો.