મધ્ય પ્રદેશમાં કોરોના વેક્સિન લેનારા એક લાખથી વધુ લોકોનો એક જ મોબાઇલ નંબર હોવાનું સામે આવ્યું છે. જેના કારણે લોકોને બીજા ડોઝ અંગે માહિતી ન મળી શકી. આ વાત સામે આવતાં સરકારે તપાસના આદેશ આપ્યા છે.
રસીકરણ અભિયાનના ૧૧મી ફેબ્રુઆરીએ તૈયાર થયેલા એનએચએમના રિપોર્ટમાં જાણવા મળ્યું કે, રસી લેનારા ૧,૩૭,૪૫૪ કર્મચારીઓના મોબાઇલ નંબર એક સરખા છે. આમાં ૮૩,૫૯૮ આરોગ્યકર્મી, ૩૨,૪૨૨ શહેર વહીવટ અને આવાસ વિભાગના કર્મી, ૬,૯૭૭ મહેસૂલ વિભાગના, ૭,૩૩૮ ગૃહ વિભાગના અને ૧૧૯ પંચાયતી રાજ વિભાગના કર્મચારીઓના મોબાઇલ નંબર એક સરખા મળ્યા છે.
આ ખામીને કારણે સમસ્યા એ થઇ છે કે, જે લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે તેમને બીજા ડોઝની માહિતી ન મળી શકી. જો કે, અગાઉ વેક્સિનેશન અભિયાનને લઇને ખામીઓની છૂટક વાતો સામે આવી હતી. જેમ કે, ગ્વાલિયરમાં જયારોગ્ય હોસ્પિટલમાં વેક્સિન લેનારા ૯૪૦ લોકોના એક જ મોબાઇલ નંબર હોવાનો મામલો સામે આવ્યો હતો. જેના કારણે કોઇને પણ રસી મળી નહોતી. હવે મધ્ય પ્રદેશમાં વેક્સિન લેનારા એક લાખથી વધુ લોકોના એક સરખા મોબાઇલ નંબર હોવાનું સામે આવ્યું છે.