રાજ્યસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા 8 ધારાસભ્યો પૈકીના 5 ધારાસભ્યોએ કમલમ્ ખાતે વિધિવત્ રીતે કેસરીયો ધારણ કરી લીધો છે. શનિવાર વહેલી સવારથી તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાવા અંગેની અટકળો ચાલી રહી હતી. તેનો સુખદ અંત આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો હતો. ગુજરાત કોંગ્રેસમાંથી કુલ 8 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ ત્રણ સીટ કબજે કરવામાં સફળ રહ્યું હતું, જ્યારે કોંગ્રેસ માત્ર એક બેઠક જીતવામાં સફળ રહી હતી.
રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામાં આપનાર ધારાસભ્યોની વાત કરવામાં આવે તો માર્ચ મહિનામાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા ત્યારબાદ વધુ ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હતા. હવે રાજીનામા આપનાર પાંચ પૂર્વ ધારાસભ્યો શનિવારે ભાજપમાં જોડાયા છે. આ માટે ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રવક્તા ભરત પંડ્યા અને ગોરધન ઝડફિયા હાજર રહ્યાં હતા.
(FILE PICS)
કોંગ્રેસમાંથી રાજીનામા આપનાર પાંચ પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. જેમાં કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી, મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, અબડાસાના ધારાસભ્ય પદ્યુમન સિંહ જાડેજા, કરજણના અક્ષય પટેલ અને ધારીના ધારાસભ્ય જેવી કાકડીયાનો સમાવેશ થાય છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવીને પૂર્વ ધારાસભ્યોનું ભાજપમાં સ્વાગત કર્યું હતું.