સ્વતંત્રતા દિવસના પ્રસંગે રીલીઝ થયેલ અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ લોકોનું દિલ જીતવામાં સફળ રહી છે. આ ફિલ્મની વાર્તા વાસ્તવિક ઘટનાથી પ્રેરીત છે. પ્રથમ પ્રયત્નમાં જ મંગલ ગ્રહ સુધી પહોંચવા માટે બનેલી ટીમને ફિલ્મ મિશન મંગલના માધ્યમથી દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ ઈસરોના વૈજ્ઞાનિકો પર આધારિત છે. ફિલ્મમાં સાયન્સ, સપનાઓ તથા સંઘર્ષ વિષે વાત કરવામાં આવી છે. ફિલ્મની શરૂઆત વર્ષ 2010થી થાય છે. ઈસરોના જાણીતા સાયન્ટિસ્ટ તથા મિશન ડિરેક્ટર રાકેશ ધવન તથા પ્રોજેક્ટ ડિરેક્ટર તારા શિંદે સાથે મળીને જીએસએલવી સી 39 નામના મિશનથી રોકેટ લોન્ચ કરવાનો પ્રયાસ કરે છે. જોકે, આ પ્રયાસ નિષ્ફળ જાય છે. જેને કારણે રાકેશની ટ્રાન્સફર ઈસરોના અશક્ય લાગતા માર્સ પ્રોજેક્ટમાં કરવામાં આવે છે. રાકેશે નાસાથી આવેલા રુપર્ટ દેસાઈના સુપરવિઝનમાં કામ કરવાનું હોય છે.
રાકેશ તથા તારા શિંદેને માર્સ પ્રોજેક્ટ માટે રુપર્ટ જાણી જોઈને બિન-અનુભવીની ટીમ આપે છે. શરૂઆતમાં બજેટ 800 કરોડનું હોય છે. જોકે, પછી અચાનક જ અડધું બજેટ કરી દેવામાં આવે છે. આ તમામ પડકારો હોવા છતાંય રાકેશ તથા તારા કેવી રીતે મિશનને પૂરું કર્યું છે, તેના પર આખી ફિલ્મ છે.હોલિવૂડમાં સ્પેસ જોનરની ફિલ્મ્સનું બજેટ 500 કરોડથી પણ વધુ હોય છે. જ્યારે ‘મિશન મંગલ’ 32 કરોડમાં બની છે. ભારતની સ્પેસ જોનરની આ પહેલી ફિલ્મને ઉત્તમ બનાવવામાં આવી છે.એક્ટિંગની વાત કરવામાં આવે તો તમામ કલાકારોએ ધી બેસ્ટ એક્ટિંગ કરી છે. નેહા સિદ્દીકી બનેલી કીર્તિ તથા કૃતિકા અગ્રવાલ બનેલી તાપસીનો પ્રભાવ ખાસ જોવા મળ્યો છે. અમિત ત્રિવેદી તથા અમિતાભ ભટ્ટાચાર્યનું સંગીત પણ ઘણું જ સારું છે.