માળીયા નજીક માધવ હોટેલ પાસે ચા – પાણી નાસ્તા માટે ઉભી રહેલ એસટી બસમાથી રૂપિયા 62.50 લાખની રોકડ ભરેલ થેલાની ઉઠાંતરી કરવામાં ત્રણ શખ્સોની સંડોવણી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને રૂપિયા ભરેલો થેલો લઈ ગઠિયા હળવદ તરફ નાસી ગયાનું સીસીટીવીમાં બહાર આવ્યું છે.ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ રાપર રાજકોટ રૂટની એસટી બસમાં બેસી રાપરથી રોકડા રૂપિયા 62.50 થેલામાં ભરીને મોરબી આવી રહેલ ઈશ્વર બેચર પટેલ આંગડિયા પેઢીના કર્મચારી માળીયાની માધવ હોટલ નજીક ચા પાણી પીવા નીચે ઉતરતા જ ગઠિયા કળા કરી ગયા હતા.
માળીયા હાઇવે ઉપર બનેલી ગંભીર ઘટનાને પગલે તુરત જ સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ ટીમો પણ હરકતમાં આવી જતા તપાસનો ધમધમાટ શરૂ કરતા પ્રાથમિક તપાસમાં ત્રણ શખ્સોની સંડોવણી ખુલી છે જેમાં બે ગઠિયા બસમાં સાથે મુસાફરી કરતા હોવાનું અને એક ગઠિયો પાછળ સ્કુટરમાં આવતો હોવાનું બહાર આવ્યું છે.બીજી તરફ હોટલ અને આજુબાજુના સીસીટીવી ચેક કરતા ઈશ્વર બેચર આંગડિયા પેઢીની 62.50 લાખની રોકડ રકમ ભરેલો થેલો લઈ ગઠિયાઓ હળવદ તરફ નાસી ગયાનું બહાર આવતા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.