રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. અલગ-અલગ પાર્ટીઓ જીત માટે એડીચોડીનું જોર લગાવી રહી છે. અમદાવાદ સહિત રાજ્યની છ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આગામી રવિવારે મતદાન યોજાનાર છે. મતદાન પહેલાં સટ્ટા બજારે વરતારો જાહેર કરીને સટ્ટાબૂકીંગ શરુ કર્યું છે.
છ મહાનગરપાલિકાની કુલ ૫૭૬ બેઠકમાંથી ૪૨૫ બેઠક ઉપર ભાજપ જીતશે તેવા ભાવ સટ્ટાબજારે કાઢ્યા છે. છેલ્લી ટર્મ પૂરી થઈ ત્યારે ભાજપના કુલ ૩૪૩ કોર્પોરેટર હતાં અને વર્તમાન માહોલમાં તેમાં વધારો દર્શાવાયો છે. સ્થાનિક ચૂંટણીઓમાં બહુ મોટો સટ્ટો રમાતો નથી તેમ છતાં ૧૦૦થી ૧૫૦ કરોડનો સટ્ટો બૂક થાય તેવી ધારણા છે. બુકી બજારમાં હજુ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના ભાવ ખોલાયા નથી. બૂકી બજાર માને છે કે, આમ આદમી પાર્ટી ખાતું ખોલશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટનો નામચીન બૂકી ક્રિકેટ સહિતની સટ્ટાબજાર ઉપર પક્કડ ધરાવે છે. આ બૂકીએ ખેલીઓને ખંખેરી લેવાય તેવા સેશનના સટ્ટાના ભાવ કાઢ્યા છે. સેશનના સટ્ટામાં બૂકીએ જાહેર કરેલી સીટ ભાજપ નહીં જીતે અથવા જીતશે તેના ઉપર સટ્ટો નોંધાય છે. એક લાખ રુપિયા બૂક કરાય અને ખેલી જીતે તો વધારાના એક લાખ રુપિયા જીતે અને હારે તો એક લાખ મુકી દેવા પડે છે. ભાજપ માટે અમદાવાદમાં ભાજપ માટે 153થી 156 સીટની ધારણા વ્યક્ત કરાઈ છે. જ્યારે સુરતમાં 86-89, વડોદરામાં 60-62, રાજકોટમાં 51-53 સીટની ધારણા વ્યક્ત કરાઈ છે. તો જામનગરમાં 42-44 અને ભાવનગરમાં 34-37 સીટો ભાજપ જીતશે તેવા અનુમાન સાથે સટ્ટો બુક કરવામાં આવી રહ્યો છે.