તાઉ-તે વાવાઝોડાને લઈને મહેસાણા જિલ્લાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે મોડી સાંજે પણ ભારે પવન સાથે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં કડી પંથકમાં પણ મોડી સાંજે વરસાદ પડ્યો હતો. તેમજ મહેસાણા, કડી, વિજાપુર, બેચરાજીમાં ધીમીધારે વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. વાવાઝોડાના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં હાલમાં ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે વાવાઝોડા ની અસર મહેસાણા જિલ્લા સુધી પહોંચી છે.
જેમાં મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારથી ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. જે બપોર બાદ જિલ્લાના કડી, બેચરાજી, મહેસાણા, વિજાપુર પંથકોમાં વરસાદી માહોલ જામ્યો હતો. તો યાત્રાધામ બહુચરાજીમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જેમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઇ હતી. બહુચરાજી માં ધીમીધારે વરસાદ શરૂ થતા વરસાદથી અસહ્ય ગરમી વચ્ચે ઠંડક પ્રસરી હતી તો બીજી બાજુ વધુ વરસાદ પડે તો ખેડૂતોને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે