મહેસાણાના અમરાપુરમાં એક રાજસ્થાની યુવતીને ઘરકામ માટે લવાયા બાદ 14 દિવસ એક રૂમમાં ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની વિગતો સપાટી પર આવતા હડકંપ મચી ગયો છે. યુવતીએ મહિલા હેલ્પલાઇનો સંપર્ક કરતા તેને છોડાવી લેવામાં આવી હતી ત્યારબાદ તેના પિતા સાથે જઈ દુષ્કર્મ સહિતની ફરિયાદ નોંધાવી છે.મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના ઋષભદેવની એક યુવતીને મજૂરીકામ અર્થે આરોપી કરણ શંકર મીણા રહે રાજસ્થાન ઉદયપુર, રમેશ અને જીતુ નામના શખ્સો મજૂરી અર્થે લઈ જવાનું કહી ખેરવાડા રાજસ્થાનથી લઈ ગયા હતા. આ શખ્સોએ મંગીબેન રાવળ, રણજિતસિંહ ચૌહાણ, સીતાબેન રણજિતસિંહ નામના આરોપીઓ સાથે મળી અને પૂર્વ આયોજીત કાવતરાના ભાગરૂપે મહેસાણાના અમરાપુર ખાતે ઘરકામ કરવા માટે મૂકી ગયા હતા.
આ દરમિયાન આરોપી ઠાકોર રાજાજી, ઠોકાર વિજય બાબુજી, ઠાકોર શારદાબેન બાબુજી, ઠાકોર કૈલાસબેન બાબુજી, ઠાકોર ચંદ્રિકાબેન બાબુજીએ આ યુવતીને તારીખ 10મી જૂનથી 24મી જૂન સુધી એક રૂમમાં ગોંધી રાખી હોવાનો આરોપ છે. યુવતીની ફરિયાદ મુજબ આરોપી ઠાકોર વિજયજી બાબુજીએ તેનો મોબાઇલ પડાવી લીધો હતો. જોકે, આ યુવતીની ફરિયાદથી હડકંપ ત્યારે મચ્યો જ્યારે તેણે આક્ષેપ કર્યો કે આરોપી ઠાકોર વિજયજી બાબુજીએ અવારનવાર તેની સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યુ હતું. ત્યારે આ મામલે મહેસાણા શહેર એ ડિવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને પોલીસ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે