મહેસાણા સહિત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યુ છે. મહેસાણામાં કોરોના સંક્રમણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેને લઈ મહેસાણા શહેરના ટાઉનહોલ ખાતે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વેપારીઓની બેઠક મળી હતી. જેમાં મહેસાણા શહેરમાં 30 એપ્રિલ સુધીના તમામ શનિવાર અને રવિવારના દિવસ તમામ બજારો બંધ, જ્યારે સાંજે 6 વાગ્યા પછી સંપૂર્ણ બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મળતી માહિતી મુજબ, મહેસાણા શહેરમાં કોરોના સંક્રમણ વધતાં ટાઉન હોલ ખાતે વહેપારીઓ અને પાલિકાના સત્તાધીશોની બેઠક મળી હતી.
મિટિંગ દરમિયાન મહેસાણા શહેરમાં સંક્રમણની ચૈન તોડવા તમામ નાના મોટા વહેપારીઓએ શનિવાર અને રવિવાર આમ બે દિવસ તમામ બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત 12 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સાંજે 6 વાગ્યા બાદ તમામ બજારો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ મહેસાણા શહેરમાં રવિવારના દિવસે ભરાતું ગુજરી બજાર પણ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે.