મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના રંગાકુઈ નજીક પોલીસની જીપે ટ્રેક્ટરને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. પોલીસ જીપ દ્વારા સર્જાયેલા અકસ્માત બાદ પોલીસની જીપમાં દારુની બોટલ હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. માનવામાં આવી રહ્યુ છે કે અકસ્માત સર્જનાર પોલીસકર્મી દારુના નશામાં હતો. મળતી માહિતી મુજબ, વિજાપુર તાલુકાના રંગાકુઈ નજીક જીજે 18 જીપી 0865 નંબરની પોલીસની ગાડીએ ટ્રેક્ટરની ટ્રોલીને અડફેટે લીધી હતી. આ અકસ્માતના કારણે ટ્રોલી ટ્રેક્ટરથી અલગ થઇ પલ્ટી મારી ગઇ હતી,
જ્યારે ટ્રેક્ટર એક કાર સાથે અથડાયુ હતું. આ મામલે કાર ચાલકે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી. અકસ્માત સર્જનાર પોલીસકર્મી દારુના નશામાં હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. કારણકે પોલીસ જીપમાં દારુની બોટલો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. બીજીબાજુ જિલ્લા પોલીસવડાએ કોઈ વ્યક્તિએ જાણી જોઈને પોલીસની ગાડીમાં દારુની બોટલ મૂકી વીડિયો ઉતાર્યો હોવાનું જણાવ્યુ હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.